ટ્રાફિક ઇફેક્ટ : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
image : Social media
Vadodara Traffic : વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના વિસ્તારમાં સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવર યોજવામાં આવી છે. જેમાં આડેઘડ પાર્કિંગ કરનારને વિવિધ સુચના સહિત આડેધડ પાર્ક થયેલા લારી ગલ્લાવાળાના દબાણો તથા દુકાનદારોએ બનાવેલા શેડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે અને લારી ગલ્લા ખૂંમચાના ગેરકાયદે દબાણો પાલિકાની દબાણ શાખાએ હટાવી કબજે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં વાહન પાર્કિંગનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. આ અંગે જાતજાતની સ્કીમો પણ બનાવવામાં આવી છે. દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના રોડ પર ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીમ તથા સ્થાનિક વોર્ડ ઓફિસની ટીમ સહિત દબાણ શાખાની ટીમે સંયુક્ત રીતે ડ્રાઈવ શરૂ કરી છે.
જેમાં આડેધડ પાર્કિંગ કરનારાઓને વાહન પાર્કિંગ અંગે સમજ આપવામાં આવી હતી. જ્યારે દુકાનદારોએ આડેધડ બનાવેલા શેડ તોડીને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં લારી ગલ્લા ખુમચાના ઘેર કાયદે દબાણો પાલિકાની દબાણ શાખાએ કબજે કર્યા હતા. શહેરની ટ્રાફિક સમસ્યા અંગે આગામી દિવસોમાં જુદા-જુદા વિસ્તારમાં પણ ડ્રાઇવ ગોઠવવામાં આવશે.