31વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ટ્રાફિક 36 વર્ષ જૂના ઉમેટા બ્રિજ તરફ ડાયવર્ટ કરાયો
ખખડધજ ઉમેટા બ્રિજના સ્ટ્રક્ચરના સળિયા દેખાઈ રહ્યા છે
લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ જન્મી
31વર્ષ જૂનો મુજપુર- ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહારને 36 વર્ષ જૂના ઉમેટા બ્રિજ તરફ ડાયવર્ટ કરવાના તંત્રના નિર્ણયથી અનેક લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ જન્મી છે.
વર્ષ 1994 માં નિર્માણ પામેલ મુજપુર- ગંભીરા બ્રિજ તૂટી પડતા ભાદરણ ,આંકલાવ બોરસદ , ડભાસા ,પાદરા, મુવાલ સહિતના ગામો વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયો છે. આ બ્રિજ કાર્યરત ન થાય ત્યાં સુધી લોકોને ઉમેટા અને વાસદ બ્રિજનો ખુબ લાંબો ચકરાવો થશે. સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર વર્તાઈ શકે છે. તો બીજી તરફ અગાઉથી જ ઉમેટા બ્રિજ ઉપર વાહનોની અવરજવર ઉપર રોક લગાવવા સાથે રિ ડેવલોપમેન્ટ અથવા નવા બ્રિજનો પ્રશ્ન પેન્ડિંગ હોય તંત્ર બ્રિજને થીંગડા મારી કામ ચલાવી રહ્યું છે. ઉમેટા બ્રિજનું વર્ષ 1989માં પીડબ્લ્યુડી વિભાગે નિર્માણ કર્યું હતું. આજે બ્રિજની સ્થિતિ એટલી ખખડધજ છે કે, બ્રિજના તમામ સ્ટ્રક્ચરના સળિયા દેખાઈ રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. પરંતુ, તંત્ર આળસ ખંખેરી રહ્યું નથી. અને બ્રિજ ઉપર હલકી કક્ષાની કામગીરીના કારણે દર છ મહિને ખાડાના પેચવર્કની કામગીરી ચાલતી રહે છે. ઉમેટા બ્રિજના ખખડધજ સ્ટ્રક્ચરને નજર અંદાજ કરવું એટલે વધુ એક દુર્ઘટનાને આમંત્રણ સમાન છે. ઉમેટા બ્રિજને કોઈ અસર થાય તો શેરખી , ભાયલી, પાદરા , બોરસદ આંકલાવ સહિતના ગામોનો સીધો સંપર્ક તૂટી જાય તેમ છે. અને રોજિંદા જીવન ઉપર ગંભીર અસર થાય. ખાસ કરીને, આણંદ વિદ્યાનગર તરફ શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર પણ સીધી અસર થઈ શકે છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ગંભીરા પુલ પુન: કાર્યરત ન થાય ત્યાં સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નાના વાહનોને ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવા તેમજ ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવી ઉમેટા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધિત મુકાયો છે.