વડોદરા શહેરની તરસાલી ચોકડીથી નેશનલ હાઇવે સુધી આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ આવતીકાલથી 30 દિવસ સુધી બંધ રહેશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીના માર્ગનું વાઇડનીંગ તેમજ ફુટપાથ સહ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત તરસાલી દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે સુધીના હાલના માર્ગનું ખોદાણ કરી નવો આર.સી.સી. રોડ બનાવવામાં આવનાર છે.
આ કામગીરી માટે તા. 19-01-2026 થી 30 દિવસ સુધી રસ્તાનો એક ટ્રેક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ત્યારબાદ જ્યારે બીજા ટ્રેકની કામગીરી શરૂ થશે ત્યારે તે પણ સમાન પ્રકારની કામગીરી માટે આગામી 30 દિવસ સુધી બંધ રહેશે.
જે સમયગાળામાં એક ટ્રેક સંપૂર્ણ બંધ રહેશે, તે દરમિયાન બીજા ટ્રેક પરથી બંને દિશામાં વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે. આથી વાહનચાલકોને થોડી અસુવિધા થવાની શક્યતા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાને આ જાહેર નોટિસનું પાલન કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે.


