ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરાશે

- લગ્નવિધિમાં શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડશે
- ડાયમંડ ચોક, ભરતનગર, કાળીયાબીડ, સંસ્કાર મંડળ,પાનવાડી સહિત અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૨ નવેમ્બરને રવિવારે રૂડા તુલસીવિવાહના આયોજન કરાયા છે. જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા આયોજિત તુલસીવિવાહ અંતગર્ત આવતીકાલ રવિવારે બપોરે ૩ કલાકે બહેનો માટે પૂજાવિધિ,સાંજે ૫ કલાકે આનંદ મંડળ(સેવાદળ),બાળ ક્રિડાંગણ (બજરંગદાસબાપાની મઢુલી, દેરી રોડ, અખાડા)થી લાલજી મહારાજનો વરઘોડો નિકળશે. જે સાંજે ૭-૩૦ કલાકે ડાયમંડ ચોક ખાતે પધારશે. જયાં હસ્તમેળાપ થશે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ હાસ્ય દરબાર રાખેલ છે. આ સાથે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા માતાજીઓની ઝાંખીના દર્શન થશે. લગ્નવિધિ બાદ હાસ્ય દરબાર રાખેલ છે. જયારે રિધ્ધિ સિધ્ધિ મિત્રમંડળના ઉપક્રમે કાળીયાબીડમાં તુલસી ચોકમાં તુલસી વૃંદાના વિવાહ ઉજવાશે.આ પ્રસંગે આવતીકાલે રવિવારે સવારે ૯ કલાકે મંડપ મુર્હૂત થશે,બપોરે ૨-૩૦ કલાકે પૂજનવિધિ થશે, સાંજે ૭-૩૦ કલાકે જાનનું આગમન થશે, સાંજે ૮-૩૧કલાકે હસ્તમેળાપ થશે. લગ્નવિધિ વેળા શુભમ કલાવૃંદ દ્વારા લગ્નગીત રજુ કરાશે.ફ્રેન્ડસ ગૃપ દ્વારા રવિવારે સવારે મંડપ મુર્હૂત, સવારે ૧૦-૩૦કલાકે ૫ૂજનવિધિ થશે.બપોરે ત્રંબકેશ્વર મહાદેવના મંદિર, શિવનગરથી વરઘોડો ચડશે.સંસ્કાર મંડળ પાસેના ખાંડીયા કુવા ખોડિયાર માતાજીના મંદિરે રાત્રે ૮ કલાકે માલધારી સોસાયટીના ઠાકરદ્વારાથી જાનનું આગમન થશે. રાત્રે ૧૦ કલાકે હસ્તમેળાપ થશે.આ ઉપરાંત અનેક ધર્મસ્થાનકોમાં તેમજ પાટણા (ભાલ) સહિત ગોહિલવાડમાં ચોતરફ તુલસીવિવાહ ઉજવાશે.








