ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા
યુવાનો, વડીલો સહિત મહિલાઓ મંદિરમાં બેસી વલ્લભ ભટ્ટ, દયા કલ્યાણ સહિતના પ્રાચીન ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે
ધ્રાંગધ્રા - નવરાત્રી એટલે માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી થાય છે શેરી ગરબીની સાથે સાથે હવે આધુનિક પાર્ટી પ્લોટની પણ ભરમાર જોવા મળે છે. પરંતુ તેમ છતાંય ધ્રાંગધ્રા ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા છે તેનું મહત્વ આજે પણ અકબંધ રહ્યું છે.
નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ ૧૩૫ વર્ષ સ્ટેટ વખતના જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝનો દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે તેમજ માતાજીના અલગ અલગ સ્વરૃપના દર્શન થાય છે. અહીંયા જે ગરબા ગાવામાં આવે છે. તેમાં વલ્લભ ભટ્ટ, દયા કલ્યાણના પ્રાચીન ગરબા, આરતી,થાળ વગેરે ગવાય છે. મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીંયા આવે છે. આજના જમાનામાં ડિસ્કો દાંડિયા અને પાર્ટી પ્લોટની સામે લોકોને અહીંયા વિશેષ આનંદ આવે છે બેઠા ગરબા ગાઈને માતાજીની ભક્તિમાં લીન બને છે. નવરાત્રીમાં રાત્રે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી ગરબા ગાવામાં આવે છે. આ મંદિરમાં સિનિયર સીટીઝન તેમજ યુવાનો પણ આ ગરબામાં આવે છે સાથે નાના બાળકો પણ જોડાય છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે.