એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી
ચિખોદ્રા ગામની સીમના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક વાયરો કબજે કરાયા ઃ બેની ધરપકડ
વડોદરા, તા.30 ધંધામાં રૃા.૪ કરોડનું દેવું થઇ જતા વડોદરા-વાઘોડિયારોડ પર ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરનાર વેપારી સહિત બેની પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયારોડ પર આવેલ દૂરદર્શન ટાવર નજીક ખટંબા ગામના પાટીયા પાસે ઇલેક્ટ્રિક લાઇનના હેવી થ્રી ફેઝ આર્મ્ડ કેબલ નાંખવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળેથી હેવી થ્રી ફેઝ આર્મ્ડ કેબલની ચોરી થઇ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા એલસીબીએ અંકિત સત્યનારાયણ લટ્ટા (રહે.યોગીરાજ ટાઉનશિપ, વાઘોડિયારોડ, મૂળ રાજસ્થાન) અને કવિશ સજ્જનસિંહ દેવપુરા (રહે.સાવરિયા ટ્રેડિંગ કંપની ગોડાઉન, ચિખોદ્રા ગામની સીમ)ની ધરપકડ કરી હતી.
પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં ઇલેક્ટ્રિક લાઇનના વાયરો કટિંગ કરેલા મળ્યા હતાં. કુલ રૃા.૪.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરતા આ ગોડાઉન છેલ્લા એક માસથી ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અંકિત અને તેના પિતા એલ્યુમિનિયમનો વેપાર કરતા હતા પરંતુ તેમાં રૃા.૪ કરોડનું દેવું થઇ જતા તેમજ બેન્ક દ્વારા ફ્લેટ સિઝ કરી દેતા ચોરીનો પ્લાન બનાવ્યું હોવાની વિગત બહાર આવી હતી.