વેપારીનું રૂ. 37.51 લાખનું સોનું વેપારી જ ઓળવી ગયો
એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું છતાં આરોપીએ સોનું પરત ન આપ્યું
રાજકોટ, : ગુંદાવાડી શેરી નં. 25માં રહેતા અને સોની બજારની ગિરીરાજ ચેમ્બરમાં શ્રીનાથજી ગોલ્ડ આર્ટ નામની દુકાન ધરાવતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (ઉ.વ.૪૬) નું રૂ. 37.51 લાખનું સોનુ આરોપી બિપીન કુમુદભાઇ આડેસરા (રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ, ધુ્રવીલ પેલેસ એપાર્ટમેન્ટ) ઓળવી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેજસભાઇએ જણાવ્યું છે કે આરોપી તેના પાડોશમાં રહે છે અને બાલમુકુંદ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. છેલ્લા બે વર્ષથી આરોપી સાથે વ્યાપારિક સંબંધો હતા. આરોપી તેની પાસેથી સોનાના દાગીના લઇ જઇ, બજારમાં વેચી, પોતાનું કમિશન કાઢી, સોનાના દાગીનાના બદલામાં તેને ફાઇન સોનુ આપી જતો હતો.
આ વ્યવહારોના બદલામાં એક કાચી ચિઠ્ઠી પણ આરોપી લખી આપતો હતો. ગત વર્ષ દરમિયાન આરોપી તેની પાસેથી કટકે-કટકે સોનાના દાગીના લઇ ગયો હતો. જેના બદલામાં તેને આરોપી પાસેથી ૩૮૭.૩૭૧ ગ્રામ ફાઇન સોનુ લેવાનું થતું હતું. જે અંગે આરોપીએ ડાયરીમાં લખાણ પણ કરી આપ્યું હતું.
અવારનવાર આરોપી પાસેથી ઉઘરાણી કરતા હતા. પરંતુ આરોપી એમ કહેતો હતો કે મેં તમારો માલ વાઘેશ્વરી જ્વેલર્સવાળાને આપ્યો છે. આ જ્વેલર્સના માલિક મયુરભાઈ કાત્રોડિયા 2024ની સાલમાં રાજકોટ મૂકી જતા રહ્યાં છે. આરોપી એમ પણ કહેતો હતો કે મયુર મને જ્યારે સોનુ આપશે ત્યારે હું તમને સોનુ આપી દઇશ. આ બાબતે સમાજના આગેવાનો સાથે વાત કરતાં આરોપી સાથે સમાધાન થયું હતું. આમ છતાં સમાધાન મુજબ આરોપીએ સોનુ પરત નહીં કરતાં આખરે તેના વિરૃધ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.