ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ
નાણાની જરૂરિયાત ઉદભવતા વેપારીએ 20 થી 25 ટકા ઊંચા વ્યાજે રૂ.4.51 લાખની રકમ લીધા બાદ તેની સામે રૂ. 2.53 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી કાર પરત ન આપનાર વ્યાજખોર સામે વેપારીએ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા ચોકડી પાસે રહેતા ઉર્વેશ રવિન્દ્ર કવાડે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, સંબંધી તથા મિત્રો પાસેથી નાણાં લીધા હોય જે પરત આપવા માટે નાણાની જરૂરિયાત ઉદભવતા રાજપાલનાથ સાગરનાથ પરમાર (રહે -ઉમા ચારરસ્તા, મૂળ - વડગામ, બનાસકાંઠા) નો સંપર્ક કર્યો હતો. અને જરૂરિયાત મુજબ અલગ અલગ સમયે પિતા, સંબંધી તથા મિત્રની કાર ગીરવે મૂકી તથા કોરા ચેક સિક્યુરિટી પેટે આપી ટુકડે ટુકડે રાજપાલ પાસેથી કુલ રૂ.4.51 લાખની રકમ વ્યાજે લીધી હતી. અને રૂ. 2.53 લાખ પરત ચૂકવ્યા છતાં વ્યાજ સાથે વધુ રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી પરેશાન કરતા વર્ષ 2024 ડિસેમ્બરમાં કોઈને કહ્યા વગર ઘર છોડીને જતા રહ્યા બાદ વર્ષ 2025 માર્ચમાં ઘરે પરત આવ્યો હતો. આ અંગે પિતાએ મારા ગુમ થવા બાબતની કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. રાજપાલએ બંને કાર પિતાજીને પરત આપી તથા સફારી કાર બાકીના નાણા મળ્યા પછી પરત આપશે તેવી લેખિત બાહેધરી આપતા પરત આવ્યો હતો. હિસાબ કરતા રાજપાલએ કુલ રૂ. 3.06ની રકમ 20 થી 25 ટકા લેખે ઊંચા વ્યાજે આપી હોય તેની સામે રૂ. 5 લાખની માંગણી કરતા જે રકમ અમે ચૂકવવા તૈયાર હોવા છતાં એક કાર, અન્ય એક કારની આરસી બુક તથા સિક્યુરિટી પેટેના ચેક પરત ન આપી ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી વિશ્વાસઘાત કરી વધારે રૂપિયાની માંગણી કરે છે.