જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રોકડ લઈને રફુ ચક્કર થઈ ગયાની પોલીસ ફરિયાદ
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી જામનગરના એક મહિલા સહિતના બે ગ્રાહકોનું સોનુ તથા રોકડ વગેરે લઈને ભાગી છૂટ્યો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા વર્ષાબેન ગોપાલભાઈ કટારમલ, કે જેઓએ જામનગરમાં દીગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં હરિઓમ જ્વેલર્સ નામની સોનાના દાગીનાની દુકાન ધરાવતા જય વસંતભાઈ સોની (માધાપર કચ્છ) સામે છેતરપિંડી કરવા અંગેની તેમજ પોતાનું સોનું અને રોકડ લઈ ધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વર્ષાબેન પાસેથી આરોપીએ નવા દાગીના બનાવવા માટે 26 ગ્રામ જુનુ સોનુ તથા 90,000ની રોકડ રકમ મેળવી હતી પરંતુ ત્યારબાદ તેણે દાગીના બનાવીને આપ્યા ન હતા. જ્યારે અન્ય એક ગ્રાહક મહાવીરસિંહ, કે જેઓ પાસે પણ દાગીના બનાવવા માટે એક લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા અને 1,90,000ની રોકડ રકમ તથા 26 ગ્રામ સોનું લઈને વેપારી રફુચક્કર થઈ ગયો હતો.
આખરે આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને વર્ષાબેનની ફરિયાદના આધારે સોની વેપારી જય વસંતભાઈ સોની સામે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.