દહેગામના સલકી ગામમાં પોલીસની કાર્યવાહી
ઘાતક સાબિત થયેલા રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી તેનું વેચાણ કરતા દહેગામ સલકીના વેપારીને પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વમાં પોલીસ દ્વારા આ દોરીને પકડવા
માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા
માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે ત્યારે
દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સલકી ગામમાં
આવેલા મોટા વાસમાં રહેતા કમલેશસિંહ મનુસિંહ ઝાલા તેના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી
નો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા
તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને તે હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખીને
ઘરમાં તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૮ જેટલા રીલ મળી આવ્યા હતા.
જેથી તેની સામે જાહેરનામા ભાંગ બદલ ગુનો દાખલ કરીને આ રીલ જપ્ત કરવામાં આવ્યા હતા
અને ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે જાણવા પણ તપાસ શરૃ કરવામાં આવી છે. પ્રતિબંધિત
ચાઈનીઝ દોરી સંદર્ભે આ વર્ષે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને
ઉતરાણ કરવા અગાઉ જ આવા જથ્થાને પકડીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.


