Gujarat

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે

By GS TEAM
4 Sep 20251 min read
GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો  આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે

પેટ્રોલ-ડીઝલ હજુ એ જ ઉંચા ભાવથી મળતા રહેશે : એ.સી., ટી.વી., ચપ્પલ, સીમેન્ટ, ટુ વ્હીલર, શેમ્પુ, કિચનવેર, પનીરથી  માંડી આરોગ્ય વિમા સહિત ભાવ ઘટે તો ટર્નઓવર વધવાની શક્યતા

રાજકોટ,  જી.એસ.ટી.ની કાઉન્સિલમાં અગાઉ ખાદ્યચીજો સહિત જીવનજરૃરી ચીજોમાં ટેક્સ વધારાયો ત્યારે ઘણા સંગઠનોએ ટીકા કરવાનું ટાળ્યું હતું પરંતુ, ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં જી.એસ.ટી.ના દરોમાં વ્યાપક અને નોંધપાત્ર ઘટાડો કરાતા વેપાર  સંગઠનોએ તેને આવકારેલ છે પરંતુ, પ્રજાજનોમાં આ ઘટાડાને મનથી આવકાર ત્યારે જ મળશે જ્યારે ભાવ ઘટાડાના ફળ તેમને ચાખવા મળશે.  આરોગ્ય વિમો અને જીવન વિમા ઉપરનો ટેક્સ ઝીરો કરાયો છે અને હવે જ્યારે નવો વિમો કે રિન્યુઅલ કરવાનું થશે ત્યારે તેનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ સોદા જે અગાઉ જે તે ઉંચા દરે થયેલા છે તેના પર આ ઘટાડાનો લાભ મળતો નથી. વિમો સસ્તો થશે પરંતુ, કોરોના કાળ પછી ખાનગી આરોગ્ય વિમા કંપનીઓેએ પ્રિમિયમમાં બેફામ વધારો ઝીંકી દીધો છે ત્યારે વાસ્તવિક લાભ કેટલો મળશે તે સવાલ છે.  રોટલીથી માંડીને પનીર, ટેબલવેર, કિચન વેર, શેમ્પુ, ટેલ્કમ પાવડર, હેર ઓઈલ ઉપરાંત સીમેન્ટ, એ.સી., ફૂટવેર, મોટરસાઈકલ , જીવનરક્ષક દવા વગેરે પર ટેક્સમાં આશરે 10 થી 13 ટકા જેવો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ક્યારે અમલમાં આવશે અથવા તો લોકોને તેનો લાભ આપવા હજુ કોઈ સંગઠનોએ માંગણી કરી નથી.