ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત
- ગેરકાયદે ખનીજનું વહન કરતા તત્ત્વો સામે સતત બીજા દિવસે કાર્યવાહી
- બીજો હુકમ ન થાય ત્યાં સુધી જે-તે સ્થિતિમાં વાહન સાચવવા પોલીસને સોંપાયું
ભાવનગર : ઘોઘા પંથકમાં ગેરકાયદે ખનીજનું વહન કરતા તત્ત્વો સામે તંત્ર દ્વારા સતત બીજા દિવસે કાર્યવાહી કરી વધુ એક વાહનને સીઝ કરવામાં આવ્યું છે.
ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં આજે બુધવારે ધીરૂ ગોવિંદભાઈ નામના શખ્સની માલિકીના ટ્રેક્ટર નં.જીજે.૦૪.ડીએ.૧૦૭૩ને ઘોઘા મામલતદાર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે રોકી તપાસ કરતા ખનીજ રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદે રીતે સાત ટન જેટલી રેતીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ડ્રાઈવરનું નિવેદન નોંધી મામલતદારની ટીમે જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૩૯-એ અને ગુજરાત ગૌણ ખનીજ નિગમ-૧૯૫૬, મીનરલ્સ કંસેશન રૂલ્સ-૧૯૬૦ના ભંગ બદલ ધી માઈન્સ અને મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ-૧૯૫૭ની કલમ ૨૧ (૪) હેઠળ રેતી ભરેલું ટ્રેક્ટર (કુલ કિ.રૂા.૮,૦૫,૬૦૦)ને જપ્ત કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી જે-તે સ્થિતિમાં વાહન સાચવવા પોલીસને સોંપી દીધું હતું.