બાળકો- યુવાનોમાં હાર્ટએટેકનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે
રાસાયણિક ખેતી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક : જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે રાજ્યપાલનું પ્રેરક ઉદબોધન, પ્રાકૃતિક ખેતીને જન-જન સુધી લઈ જવા આહવાન
જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. તેમાં તેમણે રાસાયણિક ખેતી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીને જન-જન સુધી લઈ જવા અધિકારી- કર્મચારીઓને આહવાન કર્યું હતું. બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધવા પાછળ ઝેરયુક્ત આહાર મુખ્ય કારણભૂત હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે અને તેના માધ્યમથી જ જન આરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું. પ્રાકૃતિક ખેતીની સરળ વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, જંગલમાં હજારો વૃક્ષો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા ન નાખવા છતાં હરિયાળા રહે છે અને તેના પાંદડામાં એક પણ પોષક તત્ત્વોની કમી હોતી નથી. જે ફળદ્પતાનો નિયમ જંગલમાં કામ કરે છે તે ખેતરોમાં પણ લાગુ પડે છે અને એનું નામ જ પ્રાકૃતિક ખેતી. તેઓએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીનો ભેદ સ્પષ્ટ કર્યોે હતો. પ્રાકૃતિક ખેતીમાં મહેનત અને ખર્ચ ઓછો તેમજ પૂરું ઉત્પાદન જ્યારે જૈવિકમાં ખર્ચ પણ વધુ અને પશુધન પણ ખેડૂતોને પરવડે તેમ હોતું નથી.