ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા, વડોદરામાં એક વર્ષમાં ૪૬ વર્ગો બંધ થયા
વડોદરાઃ સરકારની ઉપેક્ષા તેમજ વાલીઓના અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા જતા મોહના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા છે.વડોદરા શહેર અને જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૮ થી ૧૨ના મળીને ૪૬ વર્ગો બંધ થઈ ગયા છે.
જાણકારોનું માનવું છે કે, ગ્રામ્ય વિસ્તાર કરતા પણ શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત કફોડી છે.શહેરમાં ખાનગી અને કન્સેપ્ટ સ્કૂલોના કારણે ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલોની પડતી ચાલી રહી છે.વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૨૯ ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા વાગી ગયા છે અને તેમાંની ૨૬ તો શહેરની જ છે.
શહેરમાં વાલીઓમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધારે છે.જેના કારણે વાલીઓ વધારે ફી ચૂકવીને પણ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.બીજી તરફ અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા શહેરમાં નહીવત છે અને સરકાર નવી ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપી રહી નથી. શહેર અને જિલ્લામાં ૨૨૦ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો છે.વડોદરા શહેરમાં આ પૈકીની ૯૨ સ્કૂલો છે અને તેમાંથી માત્ર ૯ જ સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે.
શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં માં તો એક -એક જ વર્ગ ચાલી રહ્યા છે.૨૦૨૪-૨૫ના વર્ષમાં શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલોના ૨૭ અને જિલ્લામાં ૧૯ વર્ગો બંધ થયા છે.નિયમ પ્રમાણે શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ સ્કૂલમાં એક વર્ગમાં ૩૬ થી ૬૦ અને ગ્રામ્ય વિસ્તારની ગ્રાન્ટેડ સ્કૂલમાં એક વર્ગમાં ૨૪ થી ૬૦ વિદ્યાર્થીઓ હોવા જરુરી છે.૨૦૨૫૨-૬માં કેટલા વર્ગો બંધ થશે તે માટેની દરખાસ્તો સ્કૂલો પાસે મગાવવામાં આવી છે.દરખાસ્ત મોકલવા માટે તા.૩૧ ઓગસ્ટની સમય મર્યાદા છે.
પરિણામના આધારે ગ્રાન્ટ આપવાની નીતિથી પણ ગ્રાન્ટેડ સ્કૂલોને ફટકો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આચાર્ય સંવર્ગના વડોદરાના મહામંત્રી અને ગ્રાન્ટેડ સ્કૂલના પ્રિન્સિપાલ સુનિલ પઢિયારનું કહેવું છે કે, ગ્રાન્ટેડ સ્કૂલોને લઈને વાલીઓમાં ઉદાસીનતા વધી રહી છે. આવી સ્કૂલોની વાલીઓમાં ઈમેજ ખરાબ થતી જાય છે.સરકારે વર્ષો સુધી બોર્ડના પરિણામના આધારે ગ્રાન્ટ આપવાની અપનાવેલી નીતિએ પણ ગ્રાન્ટેડ સ્કૂલોને ફટકો માર્યો છે.નિભાવ ગ્રાન્ટ નહીંં મળતી હોવાથી આચાર્યો અને શિક્ષકોએ સ્કૂલનું લાઈટ બિલ ભર્યું હોવાના દાખલા પણ મેં જોયા છે.ઉપરાંત સ્કૂલોમાં શિક્ષકો નિવૃત્ત થાય પછી ખાલી જગ્યાઓ પર સમયસર ભરતી પણ થતી નથી.જેના કારણે પણ વાલીઓ ગ્રાન્ટેડ સ્કૂલોથી દૂર થઈ રહ્યા છે.છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાનું ચલણ પણ વધ્યું હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલોની પડતી ચાલી રહી છે.
૨૦૨૪-૨૫માં બંધ થયેલા વર્ગો
ધો.૯ ૧૨
ધો.૧૦ ૨૫
ધો.૧૧ ૩
ધો.૧૨ ૬
ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટેડ સ્કૂલોના વિકલ્પ પણ ઓછા
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને વડોદરાના આચાર્ય ભરત ઉપાધ્યાય કહે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટેડ સ્કૂલોને વાંધો આવે તેમ નથી.કારણકે ગામડાઓમાં શહેરોની જેમ મોટી સંખ્યામાં ખાનગી સ્કૂલો શરુ થઈ નથી.ગ્રામ્ય વિસ્તારમાં એમ પણ મોટાભાગના વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પોસાય તેમ નથી એટલે જિલ્લામાં બંધ થતી ગ્રાન્ટેડ સ્કૂલો ઓછી છે.ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિમણૂકોમાં વિલંબ અને ઉપેક્ષા ચિંતાનો વિષય છે.