સુરતમાં જપ્ત ટોસિલીઝુમેબ, રેમડેસીવીર ઇન્જેકશન બાંગ્લાદેશની ત્રણ કંપનીના છે
ત્રણેય કંપનીનું બાંગ્લાદેશમાં અસ્તિત્વ છે કે કેમ ? તે અંગે તપાસ સાથે ઇન્જેકશન લેબોરેટરી તપાસ માટે મોકલાયા
ઇન્જેકશનના કાળાબજારનું ઇન્ટરનેશનલ રેકેટ
સુરત,તા.25 જુલાઇ, 2020, શનિવાર
સુરત શહેરમાંથી કોરોનાના દર્દીઓને ઉપયોગમાં આવે તેવા ટોસિલીઝુમેબ તથા રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારનું આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ બન્ને ઇન્જેકશન ઓરીજનલ છે કે નથી ? તેની ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે. તો આ ઇન્જેકશનો બાંગ્લાદેશની જે ત્રણ કંપનીના ઇન્જેકશનો મળ્યા છે. તે કંપનીનું બાંગ્લાદેશમાં અસ્તિત્વ છે કે નથી ? તે અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૃ થઇ છે.
સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની સાથે જ ગંભીર દર્દીઓ માટે જરૃરી એવા ઇન્જેકશન ટોસિલીઝુમેબ ડુપ્લીકેટ બનાવવાનું કૌંભાડ ઝડપાયા બાદ શુક્રવારે ટોસિલીઝુમેબ તથા રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારનું રેકેટ ઝડપાયુ છે. આ બન્ને ઇન્જેકશનનો જથ્થો પકડાયેલા પાર્થ ગોપાણી બાંગ્લાદેશની નજીકની અગરતલા સરહદે જઇને લઇ આવતો હતો. આ ઇન્જેકશનના ભાવ દર્દીઓની ગરજ મુજબ નક્કી કરીને વસુલ કરાતા હતા.
દરમ્યાન આ બન્ને ઇન્જેકશનોનો જથ્થો કબ્જો લઇ પ્રાથમિક રીતે જોતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઓરીજનલ જેવા લાગે છે. પરંતુ તંત્ર કોઇ રીસ્ક લેવા માંગતુ નહીં હોવાથી ખરાઇ કરવા માટે લેબમાં મોકલી આપ્યા હતા. દરમ્યાન આ ઇન્જેકશનો બાંગ્લાદેશની ત્રણ કંપનીઓ બેક્ષીમો ફાર્માસ્યુટીકલ કંપની, એસકે-એફ અને ત્રીજી એક કંપનીના ઇન્જેકશનો મળી આવ્યા છે. આ તમામ કંપની બાગ્લાદેશમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં ? તેની પણ તપાસ શરૃ કરાઇ છે. આમ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયા બાદ તંત્ર દોડતુ થયુ છે.
કાળાબજારીયાની ટોળીએ ઉંચી કિંમતે ઇન્જેકશન વેચ્યા
સુરતમાં
આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ટોસિલીઝુમેબ
તથા રેમડેસીવીર ઇન્જેકશનોના કાળાબજાર અંગે તપાસ શરૃ કરીને જેમણે જેમણે આ ટોળકી પાસેથી
ખરીદી કરી છે તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. જેમાં
તમામ લોકોએ ઇન્જેકશન વધું કિંમત આપીને ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય ખરીદી
કરનારા અન્ય લોકોના પણ સ્ટેટમેન્ટ લેવાશે.