યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નગરપાલિકા તંત્રની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી : ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ, તોતાત્રી મઠ પાસે જલારામ મંદિર વગેરે વિસ્તારોમાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે દોડી જઈને પાણી નિકાલની કામગીરી શરૂ કરાવી
દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં આજે શનિવારે વહેલી સવારથી જ વરસાદ મન મુકીને વરસી પડયો હતો. સવારે આઠ થી દસ વાગ્યાની વચ્ચે ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા દ્વારકા શહેરમાં રોડ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જેમાં મુખ્ય ચોક એવા ભદ્રકાલી વિસ્તારમાં બે-ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં ત્યાં આવેલા રેસ્ટોરન્ટ, દુકાનો, ઓફિસોમા પાણી ઘુસી ગયા હતા.
ઉલ્લેખનીય છેકે, દ્વારકા શહેરમાં સાંજ સુધીમાં સવા ચાર ઇંચ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભદ્રકાળી વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ, તોતાત્રી મઠ પાસે, જલારામ મંદિર પાછળ તેમજ આવડપરો વગેરે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ હતી. આ સાથે અહીં દૂકાનોમાં પણ ઘુસવા સાથે લારીઓ પણ ડુબી હતી. વરસાદ રહી ગયા બાદ તંત્ર દ્વારા તુરંત પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરી હતી.









