અમદાવાદ,રવિવાર,11
સપ્ટેમ્બર,2022
અમદાવાદમાં રવિવારે સતત બીજા દિવસે બપોરના સમયે ભારે ગાજવીજ
અને વીજ કડાકા સાથે તોફાની વરસાદ વરસી પડતાં પાલડી-વાસણા સહિતના વિસ્તારમાં દોઢ
કલાકમાં અઢી ઈંચ, સેટેલાઈટ-જોધપુરમાં
પોણા બે ઈંચ તથા બોપલ વિસ્તારમાં એક ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારના
રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા વરસાદી પાણીનો નિકાલ થાય ત્યાં સુધી રસ્તા બંધ
કરવા પડયા હતા.ભારે વરસાદને પગલે પાલડી અને અંજલી વિસ્તારને જોડતો રસ્તો થોડા સમય
માટે બંધ કરવો પડયો હતો.હેલ્મેટ સર્કલ પાસે મ્યુનિ.તંત્રની કામગીરી ચાલતી હોવાથી
એક તરફનો રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો વરસાદમાં અટવાઈ પડયા હતા.સુભાષબ્રીજ સર્કલ
પાસે વરસાદી પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ પડયા હતા. અખબારનગર
અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા પાણી ઉલેચવા બંધ કરવાની નોબત આવી પડી હતી.રાતે આઠ
કલાક સુધીમાં શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ
૩૬.૪૮ ઈંચ થવા પામ્યો હતો.
બપોરના ચારના સુમારે શહેરમાં શનિવારની જેમ જ આકાશ કાળા
ડીબાંગ વાદળો સાથે ઘેરાયા બાદ ભારે ગાજવીજ અને કડાકા સાથે શહેરના મોટાભાગના તમામ
વિસ્તારોમાં ધીંગી ધારે વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.સાંજે ચારથી છ સુધીના બે કલાકના
સમયમાં પાલડી વિસ્તારમાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં વરસાદી
પાણી ફરી વળતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.પાલડી અને વાસણા વિસ્તારમાં
વરસાદનું જોર એટલું હતુ કે,
પાલડી અને અંજલી વિસ્તારને જોડતો રસ્તો વરસાદી પાણીના નિકાલ બાદ તંત્રે ટ્રાફીક
માટે ખુલ્લો કર્યો હતો.આશ્રમરોડ,એલિસબ્રીજ
ઉપરાંત વાસણા, વેજલપુર
અને જોધપુર તથા શ્યામલ તથા સેટેલાઈટ વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ વરસતા વિવિધ
રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગોતા,
વૈષ્ણોદેવી, જગતપુર, સોલા સાયન્સસીટી,એસ.જી.હાઈવે
વિસ્તાર ઉપરાંત ઘાટલોડીયા,ચાંદલોડીયા,રાણીપ, નારણપુરા
ઉપરાંત વાડજમાં પડેલા ભારે વરસાદને પગલે
અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રને અખબારનગર અંડરપાસ ટ્રાફીકની અવરજવર
માટે બંધ કરવાની ફરજ પડી હતી.નિર્ણયનગર ગરનાળુ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયુ હતું.શહેરના
મણીનગર વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા નિચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી
પાણી ફરી વળ્યા હતા.દાણાપીઠ ,રખિયાલ,ગોમતીપુર સહિતના
વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
હતા.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૫.૭૫ ફુટના લેવલ ઉપર હતી.પાણીની આવક ૨૩૮૨
કયૂસેક તથા જાવક ૨૨૬૭ કયૂસેક હતી.વાસણા બેરેજનો એક ગેટ એક ફુટ ખોલવામાં આવ્યો હતો.
સ્માર્ટસીટીમાં ગટરનાં ઢાંકણાં પણ લોકોએ ખોલવા પડયાં
રવિવારે સાંજના સુમારે શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે
અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.સ્માર્ટ
સીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને
અધિકારીઓ રવિવારની રજાના મૂડમાં હોવાના કારણે શહેરના અનેક વિસ્તારમાં ભરાયેલા
વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટે જે તે વિસ્તારના રહીશોને જાતે ગટરનાં
ઢાંકણાં ખોલીને તેમના વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.
આ વર્ષે ભારે વરસાદ-પવનથી ૪૨૬ વૃક્ષ ધરાશાયી થયા
અમદાવાદ શહેરમાં આ વર્ષે ચોમાસાની મોસમમાં ૨૬ જુનથી ૧૦
સપ્ટેમ્બર સુધીમાં શહેરના સાત ઝોનમાં ભારે વરસાદ અને પવનથી કુલ ૪૨૬ વૃક્ષ ધરાશાયી
થયા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ ઉપરાંત થલતેજ,ઘાટલોડીયા, ગોતા સહિતના અન્ય
વિસ્તારમાં સૌથી વધુ ૧૧૪ વૃક્ષ,
પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી,વાસણા,સાબરમતી ,રાણીપ સહિતના
વિસ્તારમાં ૧૦૪ વૃક્ષ ધરાશાયી થયા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર ઉપરાંત
સરખેજ,મકતમપુરા
સહિતના વિસ્તારમાં ૭૩ વૃક્ષ,
પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ,ગોમતીપુર,અમરાઈવાડી સહિતના
વિસ્તારમાં ૪૫ વૃક્ષ ધરાશાયી થયા હતા.મધ્યઝોનના વિસ્તારમાં ૨૯ વૃક્ષ,દક્ષિણ ઝોનમાં
મણિનગર,વટવા અને
રામોલ સહિતના વિસ્તારમાં ૩૯ વૃક્ષ તથા ઉત્તરઝોનમાં આવેલા નરોડા,કુબેરનગર અને
સરદારનગર સહિતના વિસ્તારમાં ૨૨ વૃક્ષ ધરાશાયી થયા હતા.
કયાં-કેટલો વરસાદ?
અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રિના આઠ કલાક સુધીમાં સરેરાશ
એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.શહેરના વિસ્તાર મુજબ વરસાદની સ્થિતિ આ મુજબ રહી
હતી.
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૩૫
ઓઢવ ૨૧
રામોલ ૨૮
પાલડી ૫૬
ઉસ્માનપુરા ૨૭
રાણીપ ૪૬
બોડકદેવ ૨૯
સાયન્સસીટી ૩૩
ગોતા ૩૬
ચાંદલોડીયા ૫૨
સરખેજ ૨૦
જોધપુર ૪૫
બોપલ ૨૭
મકતમપુરા ૧૮
દાણાપીઠ ૨૧
મણીનગર ૪૬


