કાર ભાડે ફેરવવા લઇ જઇ બારોબાર સોદો કરી દીધો
આરોપીનો મોબાઇલ નંબર બંધ અને સરનામુ પણ ખોટું હતું
વડોદરા,ટ્રાવેલ્સનો ધંધો કરતા વેપારી પાસેથી કાર ભાડે ફેરવવા લઇ જઇ બારોબાર સોદો કરી દેનાર બે ઠગ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પ્રાચી પાર્ક ડૂપ્લેક્સમાં રહેતા મેહુલભાઇ પંકજકુમાર પરમાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૩ જી તારીખે મારા મિત્ર રૃસીત પટેલની કાર ધવલ વાઘેલા (રહે. સિવાય સ્કાય, વૈકુંઠ ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) ને એક મહિના માટે ભાડે આપી હતી. એક દિવસનું ભાડુ ૩,૭૦૦ રૃપિયા નક્કી કર્યુ હતું. ત્યારબાદ ધવલને મારા મિત્ર રવિનભાઇ જાદવની જીપ ૧ દિવસ માટે ભાડે આપી હતીચ તે કાર ૭ મી તારીખે રાતે ૧૧ વાગ્યે પરત આપવાની હતી. જેથી, મેં સાંજે છ વાગ્યે ધવલને કોલ કરતા તેણે કોલ રિસિવ કર્યો નહતો. મને શંકા જતા મેં લોકેશનના આધારે અમરેલી પહોંચ્યા હતા. જ્યાં કારના ચાલક સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, આ કાર ધવલ અને મહેશે મને વેચી છે. તમારે જોઇતી હોય તો પાંચ લાખ આપી દો અને ગાડી લઇ જાવ. ધવલનો ફોન પણ બંધ આવતો હતો અને તેેણે આપેલા સરનામા પર પણ તે રહેતો નહતો.