કાલે ગુરુપૂર્ણિમા : બગદાણામાં એક લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે
- 6500 સ્વયંસેવક ભાઈઓ-બહેનો સેવાયજ્ઞામાં ખડેપગે રહેશે
- 1 પીઆઈ, 6 પીએસઆઈ, 150 પોલીસ, 100 હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે, એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે
બગદાણામાં ગુરુપૂર્ણિમા પ્રસંગે સવારે પાંચ કલાકે મંગળા આરતી, સાત કલાકથી ધ્વજાપૂજન-ધ્વજારોહણ, સવારે ૮.૩૦થી ગુરુપૂજન, ૯.૩૦થી રાજભોગ આરતી અને સવારે ૧૦ વાગ્યાથી પ્રસાદ વિતરણ થશે. ગુરુઆશ્રમમાં સુચારૂં વ્યવસ્થાની આગોતરી વ્યવસ્થા કરી ભક્તોને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં રસોડા વિભાગ, ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા વિભાગોમાં ૧૦૦ ગામના ૪૦૦૦ ભાઈઓ અને ૨૫થી વધુ ગામના ૨૫૦૦થી વધુ બહેનો, ૪૦ ટ્રેક્ટર સેવામાં જોતરાયેલા રહેશે.જયારે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક પીઆઈ, છ પીએસઆઈ,૧૫૦ પોલીસ, ૧૦૦ હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવાશે. એસ.ટી. નિગમ દ્વારા ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા ડેપોમાંથી બગદાણા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત ૧૦૮, બગદાણા સીએચસી, બેલમપર પીએચસીનો સ્ટાફ પણ ખડેપગે રહેશે.
ગુરુપૂર્ણિમા પ્રસંગે એક લાખથી વધુ ભાવિક ભક્તો બજરંગદાસ બાપાના દર્શનાર્થે પહોંચવાનો અંદાજ હોય, ભક્તો માટે ૧૦૦૦ મણ લાડુનો પ્રસાદ, ૫૦૦ મણ ગાંઠિયા, ૧૫૦ મણ દાળ, ૨૦૦ મણ ભાત, ૨૫૦ મણ રોટલી અને ૫૦૦ મણ શાકભાજી તૈયાર કરવામાં આવશે.