અમદાવાદ મ્યુનિ.નો ટોઈલેટ રિપેરિંગ પાછળ બે કરોડનો વાપરી નાંખ્યા, રાયખડમાં એક જ કામ માટે બે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ
AMC Toilet Scam News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટોઈલેટ રિપેરિંગમાં પણ કટકી કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિસિપલ તંત્રએ ચાર જ વર્ષમાં ટોઈલેટ અને ન્યુસન્સ ટેન્કર પાછળ ચાર વર્ષમાં ખાનગી કોન્ટ્રાક્ટરોને રૂ. બે કરોડથી વધુ રકમ ચૂકવી દીધી છે. આ કૌભાંડમાં એવો પણ આક્ષેપ છે કે, આ ટોઈલેટ બનાવવા એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરીને કોન્ટ્રાક્ટરોને અલગ અલગ ચૂકવણી કરી દેવાઈ છે, જેમાં મોટાભાગે રિપેરિંગમાં એક જ ટોઈલેટનો રુપિયા એક લાખ કરતા વધુ ખર્ચ બતાવીને બિલો ચૂકવી દેવાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મધ્ય ઝોનના છ વોર્ડમાં બનાવાયેલા ટોઈલેટ રિપેરિંગ કૌભાંડની વિગતો રજૂ કરી હતી. આ ઝોનના છ વોર્ડ પૈકી શાહપુર વોર્ડમાં શ્રી ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને 28 જૂન 2024ના રોજ 115 ટોઈલેટના રૂ. 4.60 લાખ અને દરિયાપુર વોર્ડમાં આ જ ટ્રસ્ટને 466 ટોઈલેટના રૂ. 18.64 લાખ ચૂકવી દેવાયા છે. તો જમાલપુર વોર્ડમાં 850 ટોઈલેટના રૂ. 34 લાખ આપી દેવાયા છે. આ અંગે સવાલ કરાયો હતો કે, તંત્ર દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે અમદાવાદ મધ્ય ઝોનના ત્રણ વોર્ડમાં 218 ટોઈલેટ છે, તો બાકીના ટોઈલેટ કેવી રીતે આવ્યા? આમ, મોટી સંખ્યા બતાવીને મોટી રકમ કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાઈ છે. જો આ ટોઈલેટ હોય તો દરેક સ્થળની તસવીરો સાથે વિગતો રજૂ કરો. મ્યુનિસિપાલિટીએ કુલ 1431 ટોઈલેટ માટે રૂ. 1.71 કરોડથી વધુ ચૂકવણી કરી દીધી છે, જેની વિજિલન્સ તપાસ થવી જોઈએ.
પબ્લિક ટોઈલેટની સફાઈ માટે ન્યુસન્સ ટેન્કર પણ સમયસર મોકલાતી નથી, પરંતુ 31 જાન્યુઆરી સુધી મધ્ય ઝોનમાં રૂ. 68 લાખ ન્યુસન્સ ટેન્કર માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાયા છે. ન્યુસન્સ ટેન્કર મોકલાતી ના હોય તો આટલી મોટી રકમ ચૂકવાઈ કેવી રીતે? આ માટે સ્વ. અશોક ભટ્ટ ફલાય ઓવરબ્રિજની આસપાસ સ્થળો બતાવીને કોન્ટ્રાકટરોને અલગ અલગ પેમેન્ટ ચૂકવી દેવાયા છે.
રાયખડમાં એક જ કામગીરી માટે બે કોન્ટ્રાકટરોને પેમેન્ટ કરાયા
રાયખડના જિમ્નેશિયમ તથા બિલ્ડિંગ રિપેરિંગ માટે વર્ષ 2023-24માં 73-ડી હેઠળ વિશ્વા ડેવલપર્સ નામની એજન્સીને રૂ. 7.12 લાખ ચૂકવાયા હતા. આ જ કામ માટે ઝેડ.એસ. કન્સ્ટ્રક્શનને રેવન્યુ બજેટ હેઠળ રૂ. 7.12 લાખ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ઠરાવથી 24 જૂન 2024ના રોજ પણ ચૂકવાયા હતા. હવે સવાલ એ છે કે, આ બે એજન્સીમાંથી કઈ એજન્સીએ આ કામ કર્યું હતું? આ રજૂઆતો કરીને અન્ય સભ્યોએ વિજિલન્સ તપાસ ઉપરાંત ખોટી રીતે કરાયેલી ચૂકવણીની રિકવરી કરવાની માગ કરાઈ હતી.