શાસ્ત્રીનગરમાં શૌચાલય તોડાવનારા ભાજપ યુવા મોરચાના કાર્યકરને માત્ર ૫૦ હજારનો દંડ કરાયો
દુકાનને સીલ મારવા પહોંચેલી મ્યુનિ.ટીમ ઉપર દબાણ લવાયુ
અમદાવાદ,સોમવાર,30 જુન,2025
ગુરૃવારે રાતના સુમારે શાસ્ત્રીનગરના સરદારપટેલ નગર ખાતે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલુ જાહેર શૌચાલય તોડાવનારા ભાજપ યુવા મોરચાના
કાર્યકરને માત્ર રુપિયા ૫૦ હજારનો દંડ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રકરણ
ઉપર લીપાપોપી કરી હતી. સોમવારે દુકાનને સીલ મારવા પહોંચેલી કોર્પોરેશનની ટીમ ઉપર
ભાજપના નેતાઓ દ્વારા દબાણ લવાતા સીલ મારવાના બદલે મામૂલી રકમનો દંડ કરાયો
હતો.કોર્પોરેશનના અધિકારીના કહેવા મુજબ,
દુકાનદાર તેમના ખર્ચે જાહેર શૌચાલય ફરીથી બનાવી આપવા બાંહેધરી આપી છે.
શાસ્ત્રીનગરના સરદારપટેલ નગર પાસે શ્રીજી ચાયવાલે નામની
દુકાન આવેલી છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ દુકાનના માલિક ભાજપ યુવા મોરચાના કાર્યકર
પૂજન પારેખ છે.રથયાત્રાના આગલા દિવસે રાતના સમયે તેમણે તેમની દુકાન આગળ આવેલા
શૌચાલયને જે.સી.બી.ની મદદથી તોડાવી નાંખ્યુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈપણ
જાતની જાણ કરાવ્યા વગર વર્ષો પહેલા કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા શૌચાલયને
તોડી પડાતા વિવાદ સર્જાયો હતો. શૌચાલય તોડી પડાયા પછી સ્થાનિક કોર્પોરેટરો અને
ધારાસભ્યને પણ જાણ કરી દીધી હતી.આ દુકાનના માલિક દ્વારા દુકાનના રીનોવેશનના નામે
મોટી કરવાની કામગીરી કરાઈ રહી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સામાન્ય વ્યકિત દ્વારા રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરવા બદલ સોલિડ
વેસ્ટ વિભાગ દ્વારા જે તે દુકાન સીલ કરીને વહીવટી ચાર્જ વસૂલ કરવામા આવતો હોય છે.જયારે
આ કીસ્સામા સોમવારે સવારે સોલિડ વેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સીલ મારવાની
સાથે રૃપિયા એક લાખ સુધીની રકમનો દંડ કરવાની તૈયારી કરી રહી હતી એ જ સમયે દુકાન માલિકે
ભાજપના ટોચના નેતાઓ દ્વારા ફોન કરાવતા કોર્પોરેશનની ટીમ સીલ માર્યા વગર જ પરત ફરી હતી.
દુકાન માલિક સ્વખર્ચે શૌચાલય બનાવી આપશે,ડેપ્યુટી
ડાયરેકટર સોલિડવેસ્ટ
શાસ્ત્રીનગરમાં શ્રીજી ચાયવાલેની દુકાન સીલ નહીં કરવા અંગે
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડાયરેકટર સોલિડ વેસ્ટ રાજન પરમારે કહયુ, દુકાન માલિકે
તેમના સ્વખર્ચે શૌચાલય બનાવી આપવા બાંહેધરીપત્ર આપવા સંમતિ બતાવી હતી. ઉપરાંત
દુકાનમાં સીલ વાગી શકે એમ નહતુ.