સુરતમાં આજે પડેલા વરસાદમાં પણ કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Update : સુરતમાં આજે પડેલા વરસાદમાં કતારગામ ઝોનના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં વરસાદની આગાહી સાથે સવારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદમાં પાલિકાના કતારગામ ઝોનની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. બે દિવસથી ઝરમર-ઝરમર છુટો છવાયો વરસાદ પડ્યો હતો. પરંતુ આજે સવારે મોટા વરસાદી ઝાંપટા પડ્યા છે તેના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત થઈ છે.
જોકે, આજે પડેલા વરસાદમાં ફરી વાર કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણીનો ભરાવો થઈ ગયો હતો. કતારગામ ઝોનમાં બાપા સીતારામ ચોક, સિંગણપોર ચાર રસ્તા અને આંબા તલાવડી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને નોકરી ધંધે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ બહાર આવી રહી છે.
સુરત પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે તેમ છતાં આટલા વરસાદમાં પણ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન કરી શકતા પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓ માટે ફરી એક વખત વિલન સાબિત થઈ છે. લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.








