Get The App

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ, દરેક ગુજરાતીને એક વૃક્ષ વાવવાની અપીલ કરી

Updated: Aug 2nd, 2019

GS TEAM


Google News
Google News
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ, દરેક ગુજરાતીને એક વૃક્ષ વાવવાની અપીલ કરી 1 - image

અમદાવાદ, તા. 2 ઓગસ્ટ 2019, શુક્રવાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 63મો જન્મ દિવસ છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રંગૂન-બર્મામાં જૈન પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર બિઝનેસ માટે ત્યાં સ્થાયી થયો હતો. પિતા રમણિકલાલ અને માતા માયાબેનના તેઓ 7મા સંતાન હતા. તત્કાલિન બર્મામાં અસ્થિરતા ઊભી થતાં તેમનો આખો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર કરીને આવી ગયો હતો. વિજય રૂપાણીએ રાજકોટની ધર્મસિંહજી આર્ટ કોલેજમાંથી બીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવેલી છે.

સીએમ રૂપાણી રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા અર્બન ફોરેસ્ટ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. જે બાદ આ ઉપરાંત વિવિધ યોજનાઓને આવરી લેતો 'સેવા સેતુ' તથા સરકારશ્રીની 'વ્હાલી દીકરી' યોજનાનો શુભારંભ કરાવશે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ વાત કરતા જણાવ્યું કે, 'રાજકોટમાં 47 એકરમાં વનનું નિર્માણ કાર્યક્રમ કરીને પર્યાવરણની જાણવળીની શરૂઆત કરી છે. આ સાથે ગુજરાતની સડાત્રણ કરોડ જનતા પણ વૃક્ષ વાવીને ગુજરાતને ગ્રીન બનાવે તેવો સંકલ્પ કરીએ.

વિજય રૂપાણીનો ટૂંકો પરિચય

RSS સાથે નાતો
કોલેજમાં હતા ત્યારે તેમણે ABVPમાં જોડાઇ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ RSSમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના એકમાત્ર મંત્રી છે જે ઇમરજન્સીમાં જેલ ગયા છે. 1971થી RSSમાં જોડાયા ત્યારથી નરેન્દ્ર મોદીના પરિચયમાં છે. 1996-1997 દરમિયાન રાજકોટના મેયર તરીકે પણ કામગીરી અદા કરી છે. 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સદસ્ય હતા.

સંઘ અને શાહ સાથે નિકટતા
માત્ર આરએસએસ નહીં અમિત શાહ સાથે પણ નિકટતા ધરાવે છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે મોદી સમગ્ર દેશમાં અને અમિત શાહ ઉતર પ્રદેશ પર કેન્દ્રિત કરી રહ્યા હતા. આ સમયે બંનેએ રૂપાણીને ગુજરાતમાં પોતાના પ્રતિનિધિ બનાવ્યા હતા.

જોગિંગના શોખીન
વિજય રૂપાણી જોગિંગના ખૂબ જ શોખીન છે અને રાજકોટ વોકિંગ ક્લબના પ્રમુખ પણ છે. તેઓ દરરોજ દોઢ બે કલાક જોગિંગ કરે છે.

વિજય રૂપાણીની કોલેજના GS થી CM સુધીની સફર
- વર્ષ 2002માં નરેન્દ્ર મોદી રાજકોટમાંથી જિંદગીની સૌ પ્રથમ ચૂટણી લડયા અને સીધા મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ વિજય રૂપાણી પણ ધારાસભાની ચૂંટણી રાજકોટમાં પ્રથમવાર લડીને મુખ્યમંત્રી બન્યા છે.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ-2 બેઠક પરથી અને તેય સીટ ખાલી થતા કે કરાવીને પ્રથમ ચૂંટણી લડયા હતા.  આ જ બેઠક (જે હવે રાજકોટ-પશ્ચિમ ઓળખાય છે) પરથી સીટ ખાલી થતા ઓક્ટોબર-14માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. એ સમયે વજુભાઇ વાળા ગવર્નર બનતા તેમણે પોતાની બેઠક છોડી હતી ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં વિજય રૂપાણીએ વિજય મેળવ્યો હતો.  જો કે તેમને મુખ્યમંત્રી બનવા 22 મહિના રાહ જોવી પડી છે.

- નરેન્દ્ર મોદી ચૂંટણી લડયા ત્યારે કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું અને CM ની ખુરશી ખાલી થઈ હતી. રૂપાણી પણ જે પદ સંભાળ્યું તે આનંદીબેન પટેલએ પદ ત્યાગ કરતા ખાલી પડયું હતું.

- રસપ્રદ વાત એ છે કે આ મોદી અને રૂપાણી કરતા ભાજપના સિનિયર, વજુભાઈ વાળા કદિ CM પદે પહોંચ્યા નહીં પણ તેમણે જે બન્ને માટે સીટ ખાલી કરી તે બન્ને CM બન્યા! તેઓ આજે એમ કહી શકે કે મેં જેમના માટે સીટ ખાલી કરી તેમાં એક વડાપ્રધાન છે અને બીજા મુખ્યમંત્રી છે!

- રાજકોટમાં મોદી ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેમને જીતાડવા વિજય રૂપાણીએ પ્રયાસો કર્યા એ સર્વવિદિત છે.

- તા. 2-8-1956માં રંગુનમાં જન્મેલા રૂપાણીની 40 વર્ષની રાજકીય કારકીર્દિમાં મોટાભાગે સંગઠનનો અને મહાપાલિકામાં જ અનુભવ રહ્યો છે.

- વિજય રૂપાણીના એક પુત્ર પુજીતનું 1993-94માં અવસાન થતા તેની યાદમાં ગરીબ બાળકોને દત્તક લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપવાનું ટ્રસ્ટ ચલાવાય છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પત્નીનું નામ અંજલિબેન છે.

- હવે CM પદે પહોંચેલા રૂપાણી રાજકોટમાં ગરેડીયા કૂવા રોડ પર એક નાનકડી દુકાન ધરાવતા હતા. વિદ્યાર્થી અવસ્થામાં તે ડી.એચ.કોલેજમાં જી.એસ. હતા. 1976માં દેશમાં કટોકટી વખતે તેમને 11 માસ જેલવાસ ભોગવ્યો હતો. તે તેમનો ટર્નિંગ પોઈન્ટ છે.

- 1978થી 1981 સંઘમાં પ્રચારક, 1987માં પ્રથમવાર મનપાની ચૂંટણી લડી ડ્રેનેજ કમિટિ ચેરમેન બન્યા, બીજા જ વર્ષે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનનું પદ મળ્યું અને 5 વર્ષ ચેરમેન રહ્યા. 1995માં ફરી ચૂંટણી જીત્યા અને 1995માં મૅયર બન્યા. 1998માં કેશુભાઈની સરકાર વખતે પ્રદેશ મહામંત્રી, સંકલપપત્ર અમલીકરણ સમિતિ ચેરમેન પદે 2001 સુધી રહ્યા. 2006માં ટુરીઝમના ચેરમેન તરીકે અને 2006થી 2012 રાજ્યસભા સભ્ય, ચાર વાર તેઓ પ્રદેશ મહામંત્રી પદે રહ્યા હતા.

- મોદી વડાપ્રધાન થયા પછી રૂપાણીએ ગતિ પકડી છે. ઓક્ટોબર-14માં તે પ્રથમવાર ધારાસભ્ય, નવેમ્બરમાં સીધા મંત્રી, ફેબ્રુઆરી-16માં પ્રદેશ ભાજપ પ્રમુખ અને ઓગષ્ટમાં CM!

Tags :