Gujarat

આજે ધનતેરસના મહાપર્વે સોના, ચાંદી તેમજ શ્રીયંત્રનું પૂજન કરાશે

By GS TEAM
18 Oct 20252 mins read
આજે ધનતેરસના મહાપર્વે સોના, ચાંદી તેમજ શ્રીયંત્રનું પૂજન કરાશે

- આરોગ્યના દેવ ધન્વંતરીનું ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ સમાન છે

- સોના,ચાંદીના આભૂષણોની ધૂમ ખરીદી સાથે શનિવાર અને રવિવાર દરમિયાન ચોતરફ માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે

ભાવનગર : રોશનીના તહેવાર દિપોત્સવીની પર્વમાળા અંતગર્ત તિથિની વિસંગતતા અને દ્વિધા વચ્ચે આવતીકાલ તા.૧૮ ને શનિવારે અને તા.૧૯ ને રવિવારે બે દિવસ મહાલક્ષ્મી માતાજીની પૂજા સાથે ધનતેરસ ઉજવાશે. જયારે ભાવનગર જિલ્લા વૈદ્યસભા અને આઈ.એસ.એમ.ડોકટર્સ એસો.દ્વારા આરોગ્યની સુખાકારી માટે આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન ધન્વંતરીનું રવિવારે વિશેષ ષોડશોપચાર પૂજન અર્ચન કરાશે. 

જયોતીષશાસ્ત્રમાં દર્શાવાયા મુજબ આવતીકાલ તા.૧૮ ને શનિવારે બપોરે ૧૨.૧૮ થી તા.૧૯ ને રવિવારે બપોરે ૧.૫૯ સુધી ધનતેરસ હોય આજના પર્વે સોના ચાંદી,વાહન મકાન, પ્લોટના ખરીદ,વેચાણની પ્રક્રિયા વેગવંતી બનશે અને આ સાથે બજારમાં ધનવર્ષા થશે.રંગોળી અને તોરણના પોંખણા સાથે પ્રકાશના પર્વસમુહ દિપોત્સવીના તહેવારનો ગઈકાલથી શુભારંભ થયો હતો. જીવનને જયોતિર્મયી કરતા રોશનીના મહાપર્વ અંતગર્ત આવતીકાલ તા.૧૮ ઓકટોબરને શનિવારે ધનતેરસના મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાશે. ધનતેરસના મહાપર્વે લક્ષ્મીપ્રાપ્તિનો શ્રેષ્ઠ યોગ હોય ભાવિકો, ગૃહિણીઓ દ્વારા પરિવારજનોની ઉપસ્થિતીમાં સોના, ચાંદી, રોકડ રકમ અથવા શ્રી યંત્રનું પણ પૂજન કરાશે. ધનતેરસે દુકાનનું ઉદઘાટન, નવપ્રસ્થાન, મકાનનું વાસ્તુ, ખાતમુર્હૂત, સોના, ચાંદી, સ્થાવર જંગમ મિલ્કત, પ્લોટની લે વેચ, લગ્નસરાની ખરીદી, કંકુપગલા અને નવચંડી પાઠ સહિતના માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે. આ સાથે આરોગ્યના અદ્રભુત દર્શનશાસ્ત્રના પ્રવર્તક ધન્વંતરી ભગવાનના પ્રાગટય દિન, ત્રયોદશી જયંતિ મહોત્સવ અંતગર્ત આયુર્વેદાચાર્યો દ્વારા ષોડશોપચાર પૂજન, અર્ચન, અભિષેક, મહાપૂજા,મહાઆરતી અને વિષ્ણુ મહાયજ્ઞા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.