આજથી ચાતુર્માસ, ગૌરીવ્રતનો આરંભ અને દેવશયની એકાદશી
સ્વાસ્થ્ય, સુખ,શાંતિમય જીવન માટે જપ- તપ- પૂજાનો સર્વોત્તમ સમય : આ વર્ષે ગુરૂવારે ગુરૂપૂર્ણિમા, શનિવારે જયાપાર્વતી વ્રતનું જાગરણ : હવે દેવદિવાળી સુધી ધર્મોત્સવો ધમધમશે
રાજકોટ, : આવતીકાલ તા. 6ને રવિવાર, અષાઢ સુદ દેવશયની એકાદશી સાથે જીવનને શાંતિ,આનંદ,આરોગ્ય અને સંતોષથી હર્યુભર્યું કરવા માટે ઈષ્ટદેવની સાધના,જપ,તપ,પૂજન, દર્શન માટેનો સર્વોત્તમ સમય ચાતુર્માસનો પ્રારંભ થશે.આ સમયમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગો યોજાતા નથી પરંતુ, દક્ષિણાયન,પિતૃયાનનો આ સમય ધર્મકાર્ય માટે સર્વોત્તમ ગણાય છે. આ સાથે આવતીકાલથી કન્યાઓ માટેના ગૌરીવ્રત કે જયાપાર્વતી વ્રતનો આરંભ થશે. સૌરાષ્ટ્રમાં હજારો કન્યાઓ આ વર્ષે આવતીકાલ તા. 6થી ઉપવાસ,પૂજન કરશે અને તા. 12ને શનિવારે જયાપાર્વતી વ્રતની પૂર્ણાહુતિ આખી રાતના જાગરણ સાથે થશે. જયાપાર્વતી વ્રતનો દિવસ મંગળવાર તા. 8ના રહેશે. આવતીકાલે રિ યોગ સાથે કલ્યાણકારી કાર્યોના પ્રારંભ માટે પણ ઉત્તમ દિવસ હોવાનું શાસ્ત્રીજીઓ કહે છે. રાત્રિના 9-14 સુધી એકાદશી તિથિ છે. આ વર્ષે ગુરૂદેવોના વિશેષ પૂજનના સાપ્તાહિક દિવસ ગુરૂવારે તા. 10 જૂલાઈએ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.