9 દશકા બાદ પણ જળાશય અડીખમ ઓછા ખર્ચે ડેમ બની શકે એમ હોવાથી દાતાર ટેકરીની પસંદગી કરવામાં આવી હતી : 11મે 1929ના ડેમનો પાયો નંખાયો હતો
જૂનાગઢ, : જૂનાગઢમાં નવાબી શાસન સમયમાં બનેલા રમણીય વિલિંગ્ડન ડેમના ઉદઘાટનને આવતીકાલે તા. 10 જાન્યુઆરીના 90 વર્ષ પૂર્ણ થશે. નવ દશકા વીતવા છતાં આ ડેમ અડીખમ છે. ઓછા ખર્ચે ડેમ બની શકે એમ હોવાથી દાતાર પર્વતની ટેકરીઓની પસંદગી કરવામાં આવી હતી. જેનો 11 મે 1929ના પાયો નાંખવામાં આવ્યો હતો.
નવાબી શાસન સમયે જૂનાગઢની પ્રજાએ પાણીની તંગી સહન કરવી પડી હતી આથી ભવિષ્યમાં જૂનાગઢની પ્રજાને પાણીનો પ્રશ્ન ન રહે એ માટે નવાબ મહાબતખાન ત્રીજા અને દીવાન શેખ મહમદે મજબુત ડેમ બનાવવા નક્કી કર્યું હતું.ઓછા ખર્ચે ડેમ બની શકે એ માટે ત્રણ બાજુ દાતારની કુદરતી ટેકરી અને એક બાજુ બાંધકામ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
11મે 1929ના વિલિંગ્ડન ડેમનો પાયો નાંખવામાં આવ્યો હતો.તે સમયે દાતાર તળેટીમાં દરબાર ભરવામાં આવ્યો હતો.સાત વર્ષે આ ડેમનું કામ પૂર્ણ થયું હતું.નવાબને લોર્ડ વિલિંગ્ડન સાથે ઘનિ સબંધ હતો. 9 જાન્યુઆરી 1936 ના લોર્ડ વિલિંગ્ડન જૂનાગઢ આવ્યા હતા અને તેણે ફાર્મ,મોતીબાગ,રેડક્રોસ,સ્ટેટ પેડોકની મુલાકાત લીધી હતી. 10 જાન્યુઆરી 1936માં વિલિંગ્ડન ડેમનું ઉદઘાટન કર્યું હતું. રમણીય સ્થળે આવેલા ડેમના ઉદઘાટનને આવતીકાલે 90 વર્ષ થશે.વર્તમાન સમયમાં બનતા ડેમ,પુલ,રસ્તા તકલાદી રીતે બનતા થોડા સમયમાં તૂટી જાય છે કે તિરાડો પડી જાય છે ત્યારે નવ દશકા પૂર્ણ થવા છતાં વિલિંગ્ડન ડેમ અડીખમ છે.


