Gujarat

આજે વિશ્વ ઉંઘ દિવસઃ હજાર કામ છોડીને રોજ 8 કલાક સૂઈ જાઓ

By GS TEAM
12 Mar 20262 mins read
આજે વિશ્વ ઉંઘ દિવસઃ હજાર કામ છોડીને રોજ 8 કલાક સૂઈ જાઓ

2008થી મનાવાતા દિવસનો વિચાર- પૂરતું ઉંઘો, મોજથી જીવો  વધુ નહીં, ઓછું સૂવાથી સ્થુળતા આવેઃ ઓછી ઉંઘથી હૃદયરોગ, ડાયાબીટીસ, એન્ઝાઈટી, ડીપ્રેસન, અલ્ઝાઈમર, કેન્સરનો ખતરો 

રાજકોટ,  : સ્વાસ્થ્ય જાળવવું એ વર્તમાન સમયમાં પડકારજનક છે અનેઆરોગ્ય માટે ખાનપાન,જીવનશૈલી જેટલી બલ્કે તેથી વધુ મહત્વની બાબત છે પુરતી ઉંઘ.  પહેલુ સુખ (તે જાતે નર્યા) મેળવવા માટે વિશ્વભરના તજજ્ઞાો દરેક પુખ્તવયના લોકોને રોજ 7થી 8 કલાકની ઘસઘસાટ ઉંઘ લેવાની અને ઉંઘવા-જાગવાનો સમય ફીક્સ રાખવા સલાહ આપે છે.આવતીકાલ તા. 13 માર્ચે ભારત સહિત વિશ્વમાં વિશ્વ નિદ્રા દિવસ ઉજવાશે. 

ઈ.સ.2008માં આ દિવસ ઉજવવાની શરૂઆત હાલ વર્લ્ડ સ્લીપ સોસાયટી તરીકે ઓળખાતી સંસ્થા દ્વારા કરાઈ હતી જેણે સારી ઉંઘ માટે નિયત સમયે સુઈ જવા, બપોરે 45 મિ.થી વધુ નહીં સુવા, સુવાના 6 કલાક પહેલા ચા-કોફી નહીં લેવા, દિવસ આખો શ્રમ પણ ઉંઘવા પહેલાના સમયે નહીં કરવા સહિત 10 કમાન્ડમેન્ટ પણ જારી કર્યા હતા. ભારતમાં તો કેટલીક કંપનીઓએ 2023માં કર્મચારીઓને સરપ્રાઈઝ રજા આપીને 'નિદ્રાની ભેટ' આપીને ઉજવણી કરી હતી. વિશ્વ આરોગ્ય સંગઠન સહિત અનેક તબીબી સંસ્થાઓએ ઉંઘ અંગે અભ્યાસોના તારણો બહાર પાડયા છે. આ વર્ષે આ દિવસ મનાવવાનો મધ્યવર્તી વિચાર સ્લીપ વેલ,લીવ બેટર ( પુરતું ઉંઘો અને વધુ સારૂ જીવો) રખાયો છે. દરેક તજજ્ઞાો સુવા-ઉઠવાનો સમય ફીક્સ રાખવા ભારપૂર્વક જણાવે છે. 

સામાન્યતઃ 'વધુ પડતું ઉંઘીને શરીર વધી ગયું 'બોલાતું હોય પણ તબીબોના મતે ઓછી ઉંઘથી સ્થુળતા અને તેના પગલે અનેક રોગ આવે છે.રોજ 7-8 કલાક કરતા ઓછી ઉંઘ લેવાથી (1) સિરકાર્ડિયન રીધમ ખોરવાતા હોર્મોન અસમતોલ બનતા અનેક રોગો (2) ઓક્સીડેટીવ સ્ટ્રેસ  તેમજ ઓછી ઉંઘથી કેન્સરના કોષોને મારતા સારા કોષો નબળા પડતા પ્રોસ્ટેટ, બ્રેસ્ટ સહિત અનેક કેન્સરનું જોખમ (3) હૃદયરોગનો ખતરો વધે છે. (4) ડીપ્રેસન, અલ્ઝાઈમર, યાદશક્તિ નબળી પડવી કે જતી રહેવી (વિદ્યાર્થી ઓછું ઉંઘે તો વાંચેલું યાદ નથી રહેતું) ,પાર્કિન્સન તેમજ અનેક ન્યુરોલોજીકલ રોગોનું જોખમ વધે છે. ઓછી ઉંઘ એટલે રોગનું વધારે જોખમ.