Gujarat

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ

By GS TEAM
20 Mar 20262 mins read
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ

મનની ઊર્મિઓને અભિવ્યક્તિ આપે છે કાવ્ય : પ્રાચીન ભારતમાં ભવ્ય ઈતિહાસ, જીવનોપયોગી ઉપદેશ પણ કંઠસ્થ થઈ જાય તેવી રસાળ પદ્ય શૈલીથી લખાયા છે : ગુજરાતમાં દુહા, છંદ, રાસ, છપ્પા પદ, ગીત, ભજન, પ્રભાતિયા જેવા કાવ્યના અનેકરૂપનો સમૃધ્ધ ભંડાર

 રાજકોટ, : આવતીકાલ તા. 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ ઉજવાશે. કાવ્ય એ મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવાનું યુગોથી ઉત્કૃષ્ટ માધ્યમ રહ્યું છે. ભારતમાં કાવ્ય એ 'જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ 'ની જેમ માત્ર કલ્પનાની દુનિયા નથી બલ્કે તેથી વિશેષ ઈતિહાસમાં ઈશ્વરીય અવતારોની સદાકાળ પ્રેરક રહેતા ઈતિહાસથી માંડીને અમૂલ્ય ઉપદેશ,જ્ઞાાનને પણ  શ્લોક,ચોપાઈ વગેરે પદ્ય સ્વરૂપે રજૂ કરાતું રહ્યું છે. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી વિશ્વના આદિકવિ ગણાય છે.

મહર્ષિ વાલ્મિકીએ બ્રહ્માજી અને દેવર્ષિ નારદની પ્રેરણાથી મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામની જીવનકથા 24,000 શ્લોક અને 7 કાંડમાં પદ્યસ્વરૂપે રચી હતી.રામાયણ કે મહાભારત મહાકાવ્ય નથી પરંતુ, ભારતવર્ષના ઈતિહાસની કાવ્યસ્વરૂપે રજૂઆત છે. આજે પણ જીવનના દરેક પ્રશ્નોનો ઉત્તર આપતા શ્રીકૃષ્ણ-અર્જૂન સંવાદરૂપે શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોક હોય કે ઈ.૧૫૭૪માં સંત તુલસીદાસજીએ રચેલા રામચરિત માનસની ચોપાઈઓ હોય, પ્રાચીન કાળમાં મુમુક્ષુઓ,જીજ્ઞાાસુઓને સુગમતાથી કંઠસ્થ થઈ જાય તે રીતે પદ્ય સ્વરૂપે  જ્ઞાાન અને જીવનકથા અપાતા રહ્યા છે. 

નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ કે અખા ભગત હોય કે ઝવેરચંદ મેઘાણી, નિબંધ સ્વરૂપે કહેલી વાત શબ્દશઃ યાદ રાખવી મૂશ્કેલ હોય પણ તેમના ભજનો, પદ, છપ્પા, ગીત પૂરા કંઠસ્થ થઈને જીવનભર પોતાને અને અન્યોને પ્રેરણા આપતા રહે છે. રવિન્દ્રનાથ ટાગોર કે બંકિમચંદ્રનું લખાણ યાદ હોય કે નહીં પણ વંદે માતરમ્ અને જન ગણ મન સહેલાઈથી યાદ રહી જાય છે. 

આજે અંગ્રેજી ભાષાની ગુલામીની માનસિકતા વચ્ચે ગુજરાતી ભાષા કેટલી સમૃધ્ધ અને ભવ્ય અને ચોટદાર છે તે જાણવા ગુજરાતી કાવ્ય,ખંડકાવ્ય, દુહા, છંદ છપ્પા, રાસ, ગરબા, ઊર્મિ કાવ્ય, લગ્નગીત, પ્રાર્થના,સ્તુતિ, ભજન, પ્રભાતિયા વગેરે ગુજરાતી કાવ્યપ્રકારો ગાવા-સાંભળવાથી તે સમજાય છે. ગુજરાતમાં વિદેશના કાવ્યપ્રકારો જેમ કે સોનેટ, ગઝલ, હાઈકુ, શાયરી પણ સ્વીકારાયા છે