જિલ્લામાં દસ હજારની વસ્તીએ એક કેસથી ઓછો દર
૩૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનો તંત્રનો દાવો ઃ એમડીટીથી રક્તપિત્ત સંપુર્ણ દૂર થઇ શકે છે ઃ 'સ્પર્શ' પખવાડિયું ચલાવાશે
ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૩-૨૪માં રક્તપિત્તના કુલ ૨૭ દર્દીઓ
નોંધાયા હતા, જેમાંથી
૨૬ દર્દીઓએ મલ્ટી ડ્રગ થેરાપીની સંપૂર્ણ સારવાર લઈ સફળતાપૂર્વક રિકવરી મેળવી
હતી.જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૨૭ નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી ૧૭
દર્દીઓએ અસરકારક ટ્રીટમેન્ટ પૂર્ણ કરી છે.તો ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધી ૨૦
નવા દર્દીઓ નોંધાયા છે.હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં કુલ ૩૦ દર્દીઓ સરકારની
નિશુલ્ક સારવાર હેઠળ છે. આ આંકડા દર્શાવે છે કે તંત્ર દ્વારા સતત સર્વેલન્સ અને
સચોટ નિદાનને કારણે રોગચાળાને કાબૂમાં રાખવામાં સફળતા મળી રહી છે.
સમગ્ર વિશ્વમાં ૩૦ જાન્યુઆરીને 'વિશ્વ રક્તપિત્ત દિવસ' તરીકે ઉજવવામાં આવે
છે. આ અવસરે ગુજરાત સરકાર દ્વારા રક્તપિત્ત નાબૂદી માટેના પ્રયાસોને વધુ વેગ આપતા 'સ્પર્શ રક્તપિત્ત
જાગૃતિ અભિયાન- પખવાડિયા'નો પ્રારંભ
કરવામાં આવ્યો છે. આવતીકાલથી શરૃ થનારું આ અભિયાન ૧૩ ફેબુ્રઆરી સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ સમાજમાંથી
રક્તપિત્ત પ્રત્યેનો ડર અને અછૂતપણાની ભાવના દૂર કરી દર્દીઓને સન્માનજનક જીવન આપવાનો
છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર,
રક્તપિત્ત એ હાથ મિલાવવાથી કે સામાન્ય સ્પર્શથી ફેલાતો રોગ નથી, એટલુ જ નહીં, સમયસરની સારવારથી
તે સંપૂર્ણપણે મટી શકે છે.રક્તપિત્ત માત્ર શારીરિક બીમારી નથી, પરંતુ તેની સાથે જોડાયેલી
સામાજિક માન્યતાઓ દર્દીને માનસિક રીતે તોડી નાખે છે. આ પખવાડિયા દરમિયાન સરકારી તંત્ર
દ્વારા ગામેગામ અને શહેરોમાં એ સંદેશ પહોંચાડવામાં આવશે કે રક્તપિત્તના દર્દી સાથે
ભેદભાવ રાખવાની જરૃર નથી.


