આજે વિશ્વ વન દિવસ, કવિતા દિવસ, કઠપુતળી દિવસ અને રાત દિવસ સરખા
21 માર્ચની એક જ તારીખે 4 મહત્વના વિશ્વ દિવસો : હજારો-લાખો વૃક્ષોનાં વાવેતરની વાતો વચ્ચે શહેરો ગ્રીન કવર ગુમાવે છે : કવિતા આજે પણ હૃદયના ભાવો વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ
રાજકોટ, : આવતીકાલ તા. 21માર્ચ શુક્રવાર, ફાગણ વદ-7એ અનેક રીતે મહત્વનો દિવસ છે. સમગ્ર વિશ્વમાં આ દિવસ વન દિવસ, વિશ્વ કઠપુતળી (પપેટરી) દિવસ અને કવિતા (પોએમ) દિવસ તરીકે મનાવાય છે અને સાથે ઉત્તર ગોળાર્ધના ભારત સહિત દેશોમાં આ દિવસ વસંત સંપાતનો છે એટલે કે આ દિવસે દિવસ અને રાત્રિ સરખા હોય છે. ઉપરાંત, જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલે જયેષ્ઠા નક્ષત્ર સિધ્ધિ વ્યાતિપાત યોગ, રવિયોગ સાથે નવું કાર્ય આરંભ કરવા માટે પણ શુભ દિવસ મનાય છે. બપોરથી રાત્રિ વચ્ચેના સમયમાં અભિજીત,વિજયમુહુર્ત અને અમૃતકાળ પણ આવે છે.
વિશ્વ વન દિવસ ઓક્સીજન અર્થાત્ પ્રાણવાયુ એ જ જીવન છે અને વૃક્ષો તે સહજ રીતે આપે છે પરંતુ, કોંક્રિટના ડેકોરેટેડ બાંધકામોમાં મોહી પડીને વૃક્ષોનું નિકંદન કાઢતા લોકોને પણ ઈ.સ.2020થી 2023 ના કોરોના કાળમાં પ્રાણવાયુ આપતા વૃક્ષોનું શુ મહત્વ તે સમજાવી દીધું છે. આ વર્ષે આ દિવસનો મધ્યવર્તી વિચાર જંગલો અને ખોરાક રખાયો છે.ગુજરાતમાં માત્ર 1.94 ટકા વન વિસ્તાર છે. ગુજરાત વન સંરક્ષણ માટે ૬૫૫ કરોડ અને વનીકરણ માટે 563 કરોડ સહિત દેશમાં વનીકરણની વાતો થશે પરંતુ, નજરે દેખાતી, અનુભવાતી વાસ્તવિકતા એ છે કે રાજકોટથી અમદાવાદ સહિતના મહાનગરોમાં કોંક્રિટના જંગલો વિસ્તરી રહ્યા છે અને તેનું કારણ એ છે કે વૃક્ષારોપણ શહેરથી દૂર અમુક લોકેશનોમાં થાય છે પરંતુ, જ્યાં તેની મહત્તમ જરૂર છે તે ધમધમતા શહેરી ગીચ માર્ગો પર નથી થતું. આથી શહેરોમાં ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાવા લાગી છે,પ્રદુષણ વધી રહ્યું છે.ેઓક્સીજન,છાંયડો આપીને શહેરને રહેવાલાયક બનાવતા હરિયાળા વૃક્ષોનું આવરણ મહાપાલિકા વિસ્તારોમાં ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. માણસ દીઠ એક તો દૂર, ઘરદીઠ એક વૃક્ષની પણ તંગી છે. સરકારના જી.ડી.સી.આર.માં નિયમ છે પરંતુ, તેનાથી વૃક્ષારોપણ થતું નથી.
વિશ્વ કવિતા દિવસ કવિતા અર્થાત્ પદ્યનું મહત્વ ભારતમાં તો પ્રાચીન ઋષિમુનિઓના કાળમાં જ સ્વીકારીને અમલમાં મુકાયું છે. શ્રીકૃષ્ણએ જીવન કેમ જીવવું તેનો સચોટ માર્ગ ભગવદ્ ગીતામાં દર્શાવ્યો તે શ્લોક સ્વરૂપે છે. આયુર્વેદનું અદ્ભૂત જ્ઞાાનકે યોગના ગ્રંથો પદ્યમાં છે. રામાયણ,મહાભારતની પુરાતન ઘટનાઓ મહાકાવ્યના રૂપમાં છે. અને આજે પણ હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરવા આમ નાગરિકથી માંડીને મહાનુભાવો કવિતાનું માધ્યમ પસંદ કરે છે.સાખી કે છપ્પા, હાઈકુ,દુહા,છંદ,મુક્તક,ગઝલ જેવા અનેક રૂપે કાવ્યની ભાષા લોકોના હૃદયમાં ઉતરીને ચિરંજીવ થતી હોય છે.
વિશ્વ કઠપુતળી દિવસ ગામમાં કઠપુતળીના ખેલ હોય 32 પુતળીના ખેલ હોય તે જોવા નાના ભુલકાંથી માડીને મોટેરાં અગાઉથી બેસી જતા. કલા, મનોરંજન અને તેના માધ્યમથી જ્ઞાાન આપતા કઠપુતળીના ખેલ હવે ક્યાંક છૂટાછવાયા જોવા મળે છે.. સમગ્ર વિશ્વમાં કઠપુતળી (પપેટ)નો સદીઓ જુનો ઈતિહાસ છે,ભારતમાં રાજસ્થાનમાં વંશપરંપરાગત આ કલા સચવાયેલી છે.
મારવાડી સાતમ-શીતળા સાતમ રાજસ્થાન ઉપરાંત ગુજરાત,મહારાષ્ટ્રમાં આ દિવસ મારવાડી સાતમ કે શીતળા સાતમ તરીકે ઉજવાય છે. શીતળા માતાજીની પૂજા સાથે ચેપી રોગથી સુરક્ષાની પ્રાર્થના થતી હોય છે. ઉનાળામાં આ ચેપીરોગ પ્રસરતા હોય છે ત્યારે આ દિવસે જાગૃતિ કેળવીને ઉજવણી પણ આવકાર્ય છે.
આજે રાજકોટ-અમદાવાદમાં દિવસ 12 કલાક 8 મિનિટનો
રાજકોટ, : આવતીકાલે વસંત સંપાત એટલે કે ભારત સહિત ધરતીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા દેશોમાં દિવસ અને રાત લગભગ સરખા રહેશે. રાજકોટમાં ૬.૪૯ વાગ્યે સૂર્યોદય થશે અને 6.58 એ આથમશે, અમદાવાદમાં 6.42 એ ઉગતો સૂર્ય સાંજે 6.51એ આથમશે. અર્થાત્ દિવસ 12 કલાક અને 8 મિનિટનો રહેશે. આ દિવસ પછી હવે દિવસ લાંબો થતો જશે, જેમ કે 31 માર્ચ આવતા સુધીમાં જ દિવસની લંબાઈ 12 ક. 21 મિનિટની થઈ જશે જે છેક 21 જૂન સુધી વધતી જશે. મહત્વની વાત એ છે કે આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશાએ ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. જેમ કે રાજકોટમાં તે 89 ડીગ્રી પૂર્વમાં ઉગીને ૨૭૧ ડીગ્રી પસ્ચિમમાં આથમશે.