Get The App

આજે વિદ્યા, સંગીત, કલાના દેવી સરસ્વતીના પૂજનનું પર્વ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
આજે વિદ્યા, સંગીત, કલાના દેવી સરસ્વતીના પૂજનનું પર્વ 1 - image

આજે માતા લક્ષ્મી-સંતોષીના શુક્રવારે મા શારદાની વસંત પંચમીનો સંયોગ : વસંત ઋતુનો પ્રારંભ તા. 18 ફેબુ્રઆરીએ ફાગણ માસના આંરભથી થશેઃ ભારતમાં પ્રાચીન કાળથી સંપત્તિ, સત્તા કરતા વધુ જ્ઞાનનું મહત્વ વિદ્યાવિહિનઃ પશુઃ 

 રાજકોટ, : આવતીકાલ તા. 23ના મહાસુદ પાંચમના માતા સંતોષી અને લક્ષ્મીજીની પૂજાના સાપ્તાહિક દિવસ શુક્રવારે જોગાનુજોગ માતા સરસ્વતીના પૂજનના મહત્વપૂર્ણ વાર્ષિક પર્વની ઉજવણી થશે. આવતીકાલે સવારે 7-30થી 12-30 દરમિયાન શુભ મુહુર્તમાં વિદ્યા-જ્ઞાાનના ઉપાસકો માતાજીનું સફેદ કે પીળા વસ્ત્રો પરિધાન કરીને માતાજીનું પૂજન કરશે.

ભારતમાં પ્રાચીન કાળથી મનુષ્યએ મેળવવાની સૌથી મહત્વની વસ્તુ જ્ઞાાન કહી છે. ભર્તુહરિએ નીતિ શતકમાં વિદ્યા અને કલા-સાહિત્યનું યથાર્થ મહત્વ સમજાવતા કહ્યું છે જે રાજ્યમાં વિદ્વાનો નિર્ધન થઈને રહે છે તે રાજા મૂર્ખ હોય છે. અન્ય ધન નાશ પામે છે પણ વિદ્યા યુગો યુગો સુધી સચવાઈને રહેતું સાચુ ધન છે. એક ઉદાહરણથી કહ્યું છે હંસમાં જે વિવેક,ચતુરાઈ છે તે વિધાતા પણ નાશ કરી શકતા નથી. વિદ્યા નામ નરસ્ય રૂપમધિકં..... વિદ્યાવિહિનઃ પશુઃ એ શ્લોકમાં તેમણે વિદ્યાથી મનુષ્ય ઉજળો છે તે સમજાવતા કહ્યું છે વિદ્યા રાજ્ય,યશ અને સુખ આપનાર છે, ગુરૂઓની પણ તે ગુરૂ છે, વિદેશ ગમન વખતે તે બંધુ છે, રાજ્યમાં વિદ્યા જ પૂજાય છે, ધન નહીં.આથી વિદ્યાવગરનો મનુષ્ય પશુ સમાન છે. 

સરસ્વતી માતાના પૂજન માટે સફેદ કે પીળા વસ્ત્રો પહેરાય છે, માતાજીની મૂર્તિ કે તસ્વીર સ્થાપીને ગણપતિજીની સાથે પૂસ્તકો કે વાજિત્રો રાખીને પીળા પૂષ્પો,ચંદન,પ્રસાદ, ધૂપ-દિપ, પ્રસાદથી પૂજન ઘરે ઘરે થતું રહ્યું છે.આવતીકાલે વસંત પંચમી, શ્રી પંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે, જો કે વસંતઋતુની શરૂઆત કાલે નહીં પણ તા.18 ફેેબ્રુઆરી ફાગણ સુદ એકમથી થતી હોય છે.