પોષ સુદ પૂનમના વહેલી સવારથી ભાવિકો ઉમટી પડશે : હાલ વહીવટદાર હસ્તકનાં મંદિરમાં અભિષેક, વિશેષ શૃંગાર, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમ
જૂનાગઢ, : આવતીકાલે ગિરનાર પર બિરાજમાન જગતજનની અંબાજી માતાજીનો પાટોત્સવ ઉજવાશે.હાલ વહિવટદાર હસ્તકના મંદિરે અભિષેક,વિશેષ શૃંગાર,ધ્વજારોહણ સહિતના ધામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડશે.
ગિરનારના 5,000 પગથિયા પર બિરાજમાન અંબાજી માતાજીનો આવતીકાલે પોષી પૂનમના પ્રાગટયોત્સવ ઉજવાશે.સવારે માઈભક્તોની હાજરીમાં શ્રી સુકતના પાઠ, ગંગાજળ અને દુધથી અભિષેક, વિશેષ શૃંગાર કરવામાં આવશે.ત્યારબાદ મંદિરના નિજ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરવામાં આવશે.ત્યારબાદ ભાવિકોને પ્રસાદ પીરસવામાં આવશે.હાલ વહિવટદાર હસ્તકના મંદિરમાં માતાજીના પ્રાગટયોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.દર પૂનમ નિમીતે મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી અને દતાત્રેય શિખર પર દર્શન માટે જાય છે આવતીકાલે પોષી પૂનમના માતાજીના પ્રાગટયોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.


