આજે ગુજરાતના 38 ધારાસભ્યોનો 'બર્થ-ડે', સાચી તારીખ જાણતા નથી એટલે સ્કૂલે નોંધેલી તારીખે ઉજવણી
AI Image |
Gujarat MLA Birth Day News : જન્મદિવસનું મહત્ત્વ નાના-મોટાં દરેક માટે હોય છે. એમાં ખાસ કરીને સાંસદો અને ધારાસભ્યોનો ચોક્કસ દિવસે જન્મદિવસ હોય તો ટેકેદારો, શુભેચ્છકો અને મતદારો તરફથી શુભેચ્છા મેસેજનો વરસાદ થતો હોય છે. આવો અનોખો યોગાનુયોગ 1 જૂન એટલે કે આજે છે જ્યારે રાજ્યના 38 વર્તમાન ધારાસભ્યો જન્મદિવસની ઉજવણી કરવાના છે.
આમ તો જૂન મહિનામાં ગુજરાતના 47 ધારાસભ્યો વર્ષગાંઠ ઉજવવાના છે પરંતુ તે પૈકી 38ની વર્ષગાંઠ 1 જૂન છે. એટલે કે ગુજરાતના 20 ટકા ધારાસભ્યો તો આજે જ વર્ષગાંઠ ઉજવશે. પહેલાના સમયમાં કોઈ ટેક્નોલોજી, સાક્ષરતા કે જાગૃતિનું પ્રમાણ લોકોમાં ઓછું હતું જેના કારણે બાળકનો જન્મ થાય ત્યારે તેની નોંધણી કરવા કે જન્મતારીખ નોંધવાની તસ્દી પણ લેવાતી નહોતી. જેના લીધે બાળકોને જ્યારે સ્કૂલમાં મૂકવામાં આવે ત્યારે જન્મ તારીખ નોંધવી ફરજિયાત હોવાથી બાળકની જન્મતારીખ 1 જૂન નોંધવામાં આવતી હતી. કેમ કે વાસ્તવિક જન્મતારીખ યાદ ન હોય અને શાળામાં એડમિશન 1 જૂને શરૂ થતા હોય છે.