આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ
અન્ય રાજ્યોમાં 11 જૂલાઈથી ગુજરાતમાં તા. 25 જૂલાઈથી 23 ઓગષ્ટ શ્રાવણમાસ : પુષ્ય નક્ષત્ર સાથે ગુરૂપુષ્યામૃત- સર્વાર્થ સિધ્ધી યોગ હોવાથી આજે દેવપૂજા,ધર્મકાર્ય માટે ઉત્તમ દિવસ
રાજકોટ, : આવતીકાલ તા. 24 ઓગષ્ટને ગુરૂવારે હરિયાળી-દર્શ અમાસે ચોતરફ મેઘકૃપાથી છવાયેલા હરિયાળા હવામાનમાં અમાસ નિમિત્તે પિતૃતર્પણ થશે તેમજ એવરત-જીવરત, દિવાસાનું વ્રત નિમિત્તે મહિલાઓ દ્વારા માતા પાર્વતીનું પૂજન કરાશે અને ત્યારબાદ શુક્રવાર તા. 25થી ભોળાનાથ મહાદેવની કૃપા પામવાનો ઉત્તમ અવસર શ્રાવણ માસનો શુભારંભ થશે અને શિવમંદિરોમાં અનેક ધર્મોત્સવો ઉજવાશે.
આવતીકાલે પુષ્ય નક્ષત્ર સાથે ગુરૂપુષ્યામૃત યોગ તેમજ સર્વાર્થ સિધ્ધિ યોગ, અમૃતસિધ્ધિ યોગ, વ્રજ યોગ પણ બને છે જે અન્વયે વિષ્ણુ પૂજા,પિતૃકાર્ય તેમજ દેવપૂજા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. ઉલ્લેખનીય છે કે અમાસના દિવસનું સદીઓથી અનેરૂં મહત્વ રહ્યું છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે જે ગત તા. 11 જૂલાઈથી શરૂ થઈને આગામી તા. 9 ઓગષ્ટ સુધી રહેશે. ગુજરાતમાં પરંપરાગત રીતે શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે તા. 25 જૂલાઈ શુક્રવારથી થશે અને તા. 23 ઓગષ્ટ શનિવારે અમાસ સુધી ચાલશે. તા. 28 જૂલાઈ અને તા.4,11,18 ના શ્રાવણી સોમવાર ઉજવાશે. હાલ દક્ષિણાયન અને વર્ષાઋતુ છે જેમાં આવતા શ્રાવણ માસ પૂણ્યકર્મોનું ભાથુ બાંધવા માટેનો ઉત્તમ માસ ગણાતો રહ્યો છે.સૌરાષ્ટ્રના હજારો શિવમંદિરોમાં આ માટે પૂજન,અભિષેક અને ધર્મોત્સવોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.