Get The App

આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે

Updated: Aug 24th, 2024

GS TEAM


Google News
Google News
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે 1 - image

Randhan Chhath 2024 : ગોહિલવાડમાં શ્રાવણી પર્વમાળા અંતગર્ત શુક્રવારે પરંપરાગત રીતે નાગપાંચમના પર્વની ઉજવણી કરાઈ હતી. આ સાથે ચોમેર આવેલ શરમાળીયાદાદાના અને નાગદેવતાના મંદિરમાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. જયાં ભાતીગળ લોકમેળાની અનેરી રંગત જામી હતી. જયારે આવતીકાલ તા.૨૪ ને શનિવારે ગૃહિણીઓ રાંધણ છઠ્ઠના પર્વે શીતળા સાતમ માટેની રસોઈકાર્યમાં મગ્ન બનશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ગુરૂવારે નાગપાંચમના પર્વે ગૃહિણીઓ દ્વારા ઘરના પાણિયારે અથવા ઘરમંદિરે દિવા,ધૂપ કરી રૂના કંકુમિશ્રિત નાગલા બનાવીને નાગનું કંકુથી ચિત્ર બનાવીને  હળદર, નાડાછડી, ચોખા અને ફૂલ ચઢાવીને  નાગદેવતાનું વિધિવત પૂજન અર્ચન કરી બાજરાની કુલેર,નાળિયેર તલવટ સાથે પલાળેલા મગ, કઠોળનુ નૈવૈદ્ય ધરી નાગલાથી નાગપૂજન કરાયુ હતું. ગૃહિણીઓએ એકટાણુ કર્યુ હતું. 

નાગપાંચમને લઈને શહેરના કુંભારવાડાની અમર સોસાયટીમાં આવેલા શરમાળીયાદાદાના મંદિરમાં તેમજ ઘોઘા રોડ પરની મંદાર કોલોનીમાં આવેલ શરમાળિયાદાદાના મંદિરે હજજારો શ્રદ્ધાળુઓ પરિવારજનો અને બાળગોપાળ સાથે ઉમટી પડયા હતા. જયાં દર્શન, પૂજન અર્ચન અને કુલેર, તલવટ ધરી ધન્યતા અનુભવી હતી. શરમાળિયાદાદાના મંદિરે સવારે ધજારોહણ, મહાપ્રસાદ, મહિલાઓનો સત્સંગ અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમજ સવારથી જ ભાતીગળ લોકમેળાની રંગત જામી હતી. જેનો પણ ભાવિકોએ ઉત્સાહભેર ધર્મલાભ લીધો હતો. 

જયારે આજે તા.24 ને શનિવારે રાંધણ છઠ્ઠ ઉજવાશે.વર્ષોજુની ધાર્મિક પરંપરા મુજબ શીતળા સાતમે રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન ઘરે માણવાનો મહિમા ચાલ્યો આવે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં વધુમાં દર્શાવાયા મુજબ રાંધણ છઠ્ઠના દિવસે શીતળા માતા ઘરે-ઘરે વિહાર કરતા હોય છઠ્ઠની રાત્રે સફાઈ કર્યા બાદ ચૂલોને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચુલાની પૂજા કરાશે. ચુલો ઠંડો કર્યા બાદ તેનો આખો દિવસ ઉપયોગ કરાતો નથી. તા.25 ને રવિવારે યોજાનાર શીતળા સાતમના પર્વે ઘરમાં રસોઈ ન કરવાની અને ટાઢુ ખાવાની પરંપરાનું પાલન કરવાનુ  હોવાથી ગૃહિણીઓ દ્વારા આવતીકાલ તા.૨૪ ને શનિવારે બપોરથી પરિવારની અન્ય મહિલાઓ સાથે મીઠાઈ, ફરસાણ સહિતના રસોઈકાર્યમાં મગ્ન બની જશે. 

બેસન, ખાંડ અને મેંદો મોંઘોદાટ થતા કિચન બજેટ ખોરવાશે

રેડીમેડ અને ઈન્સ્ટન્ટ ફૂડના પ્રવર્તમાન યુગમાં હવે રાંધણ છઠ્ઠનું મહત્વ ક્રમશ વિસરાઈ રહ્યુ છે.ઘરે પરિવારજનો માટે ટાઢી રસોઈ કરવાની લાંબી કડાકૂટમાં પડવાના બદલે મોર્ડન ગૃહિણીઓ હવે જરૂરીયાત મુજબનું જ રાંધે છે બાકી તૈયાર મીઠાઈ અને ફરસાણ મંગાવતી થઈ છે. આ વર્ષે ફરસાણ માટેના બેસન, ખાંડ, મેંદો, માવો તેમજ સુકા મેવા સહિતના રો-મટીરીયલ્સના ભાવ 10 થી 15 ટકા વધી જતા રાંધણ છઠ્ઠનું મધ્યમવર્ગીય ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયેલુ રહેશે. 


Tags :