આજે 8મો વિશ્વ યોગ દિવસ સૌરાષ્ટ્રમાં ઉત્સાહથી ઉજવાશે
સવારે સૂર્યોદય સાથે હજારો લોકો દ્વારા સમુહમાં યોગાભ્યાસ : સોમનાથ, દ્વારકાધીશ મંદિર, ગિરનાર અંબાજી શિખર પર,દિવના કિલ્લામાં, રાજકોટમાં રેસકોર્સ,મ્યુનિ.સ્કૂલો સહિત 81 સ્થળ સહિત ઠેરઠેર આયોજનો
રાજકોટ, : આવતીકાલે , વર્ષના સૌથી લાંબા દિવસ 21 જૂનના વિશ્વની અને રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રમાં ૮મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ એ અગિયાર જિલ્લાઓમાં જિલ્લા મથકોએ તથા તાલુકા મથકો તેમજ ઐતહાસિક,ધર્મ સ્થળો તથા પોલીસ, વહીવટીતંત્ર, મહાપાલિકા, આર્મી, આરોગ્ય, શૈક્ષણિક સંસ્થા સહિત તમામ સ્થળે આવતીકાલે સૂર્યોદયના સમયે સમુહ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયાના અહેવાલો ગામે ગામથી મળ્યા છે.
જુનાગઢમાં 1020 મીટરની ઉંચાઈએ ગીરનારના અંબાજી શિખર પર યોગ કરાશે, ઉપરાંત દામોદર કુંડ, વિલિગ્ડન ડેમ સહિત ઐતહાસિક સ્તળોએ અને મનપા દ્વારા મુખ્ય કાર્યક્રમ સવારે 5.45થી 7.45 અક્ષરમંદિર સભાખંડ ખાતે અને 15 વોર્ડમાં 21 સ્થળે કાર્યક્રમ યોજાયા છે.
જામનગરમાં રણમલ તળાવ અને ક્રિકેટ બંગલા ખાતે સામુહિક યોગનો કાર્યક્રમ સવારે 6 વાગ્યે યોજાયો છે, ઐતહાસિક લાખોટા તળાવ ખાતે 101 સૂર્યનમસ્કાર યોજાયા હતા. 6,000 લોકો આવતીકાલે યોગમાં જોડાશે.
રાજકોટ મનપાનો મુખ્ય કાર્યક્રમ રેસકોર્સ, કુવાડવા રોડ પર રણછોડદાસજી બાપુ આશ્રમનું ગ્રાઉન્ડ અને નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડમાં આયોજન થયું છે. ઉપરાંત ગાંધી મ્યુઝિયમ, મનપા સંચાલિત 81 સ્કૂલોમાં અને સ્વીમીંગ પૂલમાં આયોજન થયું છે.જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકુમાર કોલેજના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે.
રાજકોટના તમામ પોલીસ મથકોના 60 ટકા સ્ટાફને આવતીકાલે સવારે ૬ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે યોગ માટે ઉપસ્થિત રહેવા જણાવાયુંં છે, જેમાં સફેદ ટી શર્ટ, ખાખી પેન્ટનો ડ્રેસ કોડ પણ જારી કરાયો છે. હાજરી માસ્તર પાસે હાજરી પૂરાવવા પણ જણાવાયું છે અને હાજર નહીં રહેનાર સામે શિક્ષાત્મક કાર્યવાહીની ચીમકી પણ અપાઈ છે.
દેવભુમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશના મંદિરે, શિવરાજપુર બીચ, નાગેશ્વર મંદિર ખાતે આયોજન થયું છે અને જામ ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશિષ્ટ ઉજવણી થશે. જિલ્લામાં કલ્યાણપુર તા.ની સરકારી કોલેજ, રાવલમાં એ.જી.હાઈસ્કૂલ, દ્વારકા સ્વામિ.મંદિર પાછળ, ભાણવડમાં ટાઉનહોલ અને ભુતવડ મેદાનમાં કાર્યક્રમ યોજાશે.
પોરબંદરમાં ચોપાટીમાં વહેલી સવારે 5.45 વાગ્યે સમુહ યોગાભ્યાસ થશે. પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ અને પોલીસ કર્મચારીઓએ યોગ દિવસનું રિહર્સલ કર્યું હતું.
મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપરાંત તાલુકા કક્ષાનો મણીમંદિર ખાતે ઉજવાશે, વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ, હળવદ અને માળિયા તાલુકામાં પણ યોગ કાર્યક્રમ યોજાશે. ટંકારમાં આર્ય વિદ્યાલયમ્ રાજકોટ-મોરબી હાઈવે પર કાર્યક્રમ યોજાશે.
સોમનાથ મહાદેવ મંદિરના સાધ્યિમાં આવતીકાલે યોગ નિદર્શન યોજાશે. પ્રભાસ પાટણથી અહેવાલ મૂજબ સોમનાથમાં 1800 વર્ષ પહેલા બીજી સદીમાં લકુલિશ કે જેમણે પાશુપત સંપ્રદાય સ્થાપ્યો હતો તેમની કર્મભુમિ સોમનાથ હતી અને તે કાળમાં અહીં યોગના મોટા કેન્દ્રો આવેલા હતા. પ્રભાસના જુના મંદિરોના સ્થાપત્યમાં અંગમુદ્રાઓ યોગાસનોને મળતી આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્રમાં સવારે 6 વાગ્યે ઉજવણી થશે. ગીરગઢડામાં દ્રોણેશ્વર ગુરુકૂળમાં હનુમાનજી સાનિધ્યમાં યોગ નિદર્શન થશે.
દિવના ઐતહાસિક કિલ્લામાં સવારે 5 વાગ્યે યોગ દિવસની ઉજવણી થશે અને તેનું જીવંત પ્રસારણ થશે. કિલ્લામાં 27 સ્થળોએ 3000 લોકો ભાગ લેશે. દેશમાં 35 હેરીટેજ સ્મારકો પસંદ કરાયા તેમાં દિવની પસંદગી થઈ છે.
આ ઉપરાંંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં જિલ્લા, તાલુકા મથકો કાર્યક્રમો યોજાયા છે અને આવતીકાલે સવારે પોણા 6 વાગ્યાથી હજારો લોકો એક સાથે આસન,પ્રાણાયામ કરીને યોગ દિવસની ઉજવણી કરશે.