જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય
- ચરોતર તમાકુ વેપારી એસોશિયેશનના સ્નેહમિલનમાં
- ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે જોડી 500 થી વધુ વેપારીઓ, ખેડૂત યુનિયનના સભ્યો લડત ચલાવશે
આણંદ : જીએસટી વિભાગની હેરાનગતિ મામલે ચરોતરના તમાકુના વેપારીઓ દ્વારા ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે રાખી સરકાર સામે લડત ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
ખંભાત તાલુકાના સુણાવ ગામ ખાતે ચરોતર તમાકુ વેપારી એસોશિયેસનનું ચોથું વાર્ષિક સ્નેહમિલન આજે યોજાયું હતું. જેમાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને નડિયાદ સહિત પાંચ ઝોનમાં પ્રમુખ સહિત ૫૦ સભ્યોના સંગઠનની રચના કરાઈ હતી. ટૂંક સમયમાં મહુધા ઝોનની રચના કરવાનું પણ નક્કી કરાયું છે. ચરોતરના તમાકુના વેપારીઓના એસોશિયેશનના પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તમાકુનો વેપાર ચરોતર પ્રદેશનો મુખ્ય અને સન્માનનીય વ્યવસાય છે. એક બીજાના પૂરક બનીને તમાકુ પકવતા ખેડૂતને પોષણક્ષમ ભાવ અને કામદારો રોજગાર મળી રહે તે માટે વેપારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેન્ટ્રલ જીએસટી અધિકારીઓની ચરોત પ્રદેશમાં છેલ્લા અઠવાડિયામાં ૩૦થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે ત્રણ વર્ષમાં એક પણ વેપારીની ટેક્સ ચોરી પકડાઈ નથી. છતાં ટેકનિકલ બાબતના બહાના હેઠળ કલમ ૧૬(૧) નીચે ચેકિંગના નામે વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગત સપ્ટેમ્બરમાં રેલી સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ થોડો સમય કનડગત બંધ રહી હતી. જ્યારે હવે ફરી સેન્ટ્રલ જીએસટીની હેરાનગતિ શરૂ થઈ છે. ત્યારે ફરી ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે જોડીને રાજ્યવ્યાપી આંદોલન માટે ૫૦૦થી વધુ વેપારીઓ, ખેડૂત યુનિયનના સભ્યો એક જૂથ થયા છે.