રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા 3 દિવસ રાજકોટ મુલાકાતે : સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો સાથેના મિલન સમારોહમાં કહ્યું હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં રહેનારા નાગરિકો
રાજકોટ, : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના સરસંઘચાલક ડો.મોહન ભાગવત ત્રણ દિવસના રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. અત્રે સેવાભારતી ખાતે યોજાયેલા યુવા પ્રતિભા મિલન સમારોહમાં તેમણે કહ્યું સંઘને બહારથી સમજી ન શકાય, સંઘમાં આવવું જોઈએ. એક યુવાને પુછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું સંઘને વિકીપિડીયાથી જાણી ન શકાય, બીજાના પ્રચારોથી સંઘને સમજી શકાતો નથી. જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ રીતે,પ્રમાણિકતાથી દેશહિતમાં કોઈ પણ કામ કરે છે તો તે સંઘનું જ કાર્ય થાય છે તેમ અમે માનીએ છીએ. શાખાના માધ્યમથી સ્વયંસેવકો અનેકવિધ સેવા કાર્યો કરે છે પરંતુ, તેનાથી સંઘનું મૂલ્યાંકન ન કરી શકાય, એ માટે સંઘમાં જ આવવું પડશે.
ઈ.સ. 1925માં સ્થપાયેલા આરએસએસની 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે સંઘના વડાએ આ સંસ્થાનું લક્ષ્ય સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કહીને સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુ એટલે જેમ બ્રિટેનમાં રહેનારા બ્રિટીશરો, અમેરિકામાં રહેનાર અમેરિકન એમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે, હળીમળીને એકતાથી ચાલવાનો હિન્દુઓનો સ્વભાવ છે.
આજે દેશમાં હિન્દુ સમાજને આત્મવિસ્મૃત કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે કહીને સંઘના વડાએ ઉમેર્યું કે દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે. શાખામાં ન આવી શકે તેમના માટે (1) સામાજિક સમરસતા (2) કુટુંબ પ્રબોધન એટલે કે કુટુંબભાવના મજબૂત થાય (3) પર્યાવરણની રક્ષા, વૃક્ષો વાવવા,પાણી બચાવવા (4) સ્વદેશી અને (5) નાગરિક કર્તવ્ય એ પંચ પરિવર્તનનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે ડો.મોહન ભાગવત અગ્રણી પ્રબુધ્ધજનો સાથે સંવાદ કરશે.


