સુરત તા. 19 જુલાઇ 2020 રવિવાર
કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થવા ઉપરાંત મહત્તમ લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સક્રમીત થતા તકેદારીના ભાગ રૂપે મંગળવાર તા. 21 જુલાઇથી તા. 31 જુલાઇ સુધી વરાછા મીની બજાર અને ચોક્સી બજાર તથા સેઇફ ડિપોઝીટ વોલ્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વરાછા તથા કતારગામ વિસ્તારના મહત્તમ લોકો સક્રમીત થયા હતા. જેને પગલે તકેદારીના ભાગ રૂપે તા. 21 જુલાઈથી તા.31 જુલાઈ સુધી વરાછા મિની બજાર અને ચોક્સી બજાર અને ત્યાં કાર્યરત સેફ્ટી ડિપોઝીટ વોલ્ટને બંધ રાખવાનો રવિવારે નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રવિવારે માનગઢ ચોક-1ના પ્રમુખ કે.કે તથા માનગઢ ચોક-2ના પ્રમુખ વિનુ ડાભી સહિત ચોક્સી બજારના પ્રમુખ ભગવાનદાસ સાથે મિટીંગ કરી હતી. આવનારા દિવસોમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વધુ લોકો સક્રમીત નહિ થાય તે હેતુથી તકેદારીના ભાગ રૂપે મીની બજારને સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંધનું પાલન તા.31મી જુલાઈ સુધી કરવામાં આવશે. જેમાં ચોક્સી બજાર અને માનગઢ વિસ્તારના સેઇફ વોલ્ટ્સ પણ બંધ રાખવામાં આવશે. તા. 20 જુલાઈ તથા તા. 24 જુલાઈના રોજ બપોરે 2 થી 6 દરમ્યાન સેઇફ વોલ્ટ્સ ખોલવામાં આવશે અને આ બે દિવસ દરમ્યાન વેપારીઓ જરૂરિયાત મુજબ પોતાનો કિંમતી સામાન કાઢી શકશે.

