આઈફોનના હપ્તા ભરવા માટે રૂા. 3 લાખની લૂંટનું તરકટ રચ્યું
જસદણમાં રહેતા પેટ્રોલ પંપના ડ્રાઇવરનો આટકોટ પોલીસની તપાસમાં ભાંડો ફૂટી ગયો : પોલીસે ખોટી માહિતી આપવા અંગે ધરપકડ કરી
રાજકોટ, : જસદણના વાજસુરપરામા રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલાભાઈ સુરાભાઈ કળોતરા (ઉ.વ. 25)એ હપ્તેથી આઈફોન લીધો હતો. મકાન ઉપર લોન પણ લીધી હતી. જેના હપ્તા નહીં ભરી શકતા શેઠના રૂા. ૩.૧૦ લાખ લૂંટાઇ ગયાની સ્ટોરી ઘડી હતી. જો કે આટકોટ પોલીસની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લાલાભાઈ જસદણમાં આવેલા પેટ્રોલ પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે પેટ્રોલ પંપની આઈસર લઇ રાજકોટમાં સીએનજી પૂરાવવા આવ્યા હતાં. પરત જસદણ જવા રવાના થયા ત્યારે સરધારમાં આવેલા શેઠના આશુતોષ નામના બીજા પેટ્રોલ પંપેથી રૂા. 3.10 લાખ લઇ રવાના થયા હતાં. આ રકમ તેને જસદણના પેટ્રોલ પંપમાં જમા કરાવવાની હતી.
ત્યાર પછી તેણે શેઠને કોલ કરી એવી જાણ કરી હતી કે વીરનગર ગામ બહાર નીકળતાં સ્મશાન પાસે બે બાઇકમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ તેને છરી બતાવી રૂા. 3.10 લાખની લૂંટ કરી છે. જેથી તેના શેઠે આટકોટ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ પીઆઈ આર.એસ. સાંકળીયાએ લાલાભાઈની પૂછપરછ કરી હતી. તેને સાથે લઇ પોલીસ કહેવાતા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સાચુ સ્થળ લાલાભાઈ બતાવી શક્યા ન હતાં.
એટલું જ નહીં પોલીસે સરધારથી વીરનગર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. પરંતુ તમાં લાલાભાઈએ જણાવેલા બાઇક સવારો દેખાયા ન હતાં. જેથી તેની ફરિયાદ શંકાસ્પદ લાગતાં તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. જેના અંતે લાલાભાઇએ લૂંટનું તરકટ રચ્યાનું કબૂલી લીધું હતું.
તેણે પોલીસને જણાવ્યું કે તેણે આઈફોન-15 હપ્તે લીધો હતો. જેનો દર મહિને રૂા. 6,000ની આસપાસ હપ્તો આવતો હતો. આ ઉપરાંત રૂા. 2 લાખની મકાન ઉપર લોન પણ લીધી હતી. તેના હપ્તા પણ ભરી શકતો ન હતો. આ સ્થિતિમાં તેને શેઠના રૂા. 3.10 લાખ લઇ લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું. તેણે આ રકમ આઇસરમાંથી કાઢી બીજું જે ટેન્કર ચલાવતો હતો તેમાં રાખી દીધી હતી.જ્યાંથી પોલીસે આ રકમ કબજે લીધી હતી. તેની આ કેફિયતના આધારે આટકોટ પોલીસે તેના વિરૂધ્ધ જ ખોટી માહિતી આપવા અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.