તારાપુરથી પાદરા જવા હવે 60 કિ.મી.ના બદલે 110 કિ.મી.નું અંતર કાપવું પડશે
આણંદ એક્સપ્રેસ હાઈવે અને ને.હા.-48 ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તારાપુરથી બાંધણી ચોકડી, વલાસણ અને આણંદના રસ્તા ઉપર હવે ટ્રાફિકજામની સ્થિતિ : વાસદ બ્રિજ ઉપર ભારે વાહનોનો ધમધમાટ વધ્યો
સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનોને બોરસદ થઈને વાસદ મહી નદીનો પુલ ઓળંગીને નેશનલ હાઈવેથી ગોલ્ડન ચોકડી થઈને મકરપુરા જીઆઇડીસી પછી અટલાદરાના રૂટ ઉપર થઈને પાદરા જંબુસર અને ભરૂચ તરફ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ રૂટ પર વાહન ચાલકોને વડોદરા સિટી પણ પસાર કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેને કારણે વાહન ચાલકોને બોરસદથી પાદરાનું ૨૫થી ૩૦ કિલોમીટર જેટલા અંતરને બદલે અંદાજિત ૮૦ કિલોમીટરથી વધુ અંતર કાપવાનું ફરજિયાત થઈ ગયું છે. જ્યારે તારાપુરથી પાદરા જવા હવે ૬૦ કિ.મી.ના બદલે ૧૧૦ કિ.મી.નું અંતર કાપવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેથી ડીઝલ અથવા પેટ્રોલનો ખર્ચ પણ વધી જશે સાથે સાથે સમય પણ વધી જશે કારણ કે, નવો પુલ ન બને ત્યાં સુધી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર ખાસ કરીને માલવાહક વાહનો ખૂબ જ ખર્ચાળ બને તેવી સંભાવનાઓ છે.
ગંભીરા પુલ દુર્ઘટના બાદ ભારે અને વ્યવસાયિક વાહનો માટે મુશ્કેલીઓ સર્જાવા મોડી છે. ઉમેટા અને ગંભીરા બ્રિજ બંધ થઈ જતા હવે સૌરાષ્ટ્ર તરફથી મધ્ય ગુજરાત સુરત અને મુંબઈ જતા બે માર્ગ ઉપર હજારો વાહનોની સંખ્યા વધી રહી છે. હવે તમામ ટ્રાફિક તારાપુર ચોકડી વલાસણ થઈને આણંદ એક્સપ્રેસ હાઈવે અથવા નેશનલ હાઇવે નં.-૪૮નો રસ્તો પસંદ કરી રહ્યા છે. જેને કારણે આવા સિંગલ પટ્ટી રોડ ઉપર ભારે વાહનો જતા હોવાથી રોડ પર વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યા છે.
આનંદ શહેરથી એક્સપ્રેસ હાઈવે ઉપર પ્રવેશવાના સામરખા રોડ ઉપર સતત ટ્રાફિકજામ સર્જાય છે. કારણ કે, હવે ટ્રાન્સપોર્ટના ટ્રકો તથા ટેન્કરો સહિતના ભારે વાહનોને મધ્ય ગુજરાત જવા માટે એક્સપ્રેસવે સરળ પડી રહ્યો છે. તેમજ નેશનલ હાઇવે નં.-૪૮ પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે પરંતુ, વાસદ પાસે આવેલા ટોલ બુથ પાસે લાંબી લાઈનોના લીધે મોટાભાગના વાહન ચાલકો એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના બગોદરા તરફથી મુંબઈ અને સુરત જતા વાહન ચાલકો હવે તારાપુરથી બાંધણી ચોકડી વલાસણ કરમસદ રોડનો ઉપયોગ કરતા ભારે વાહનોનો ટ્રાફિક વધી ગયો છે અને જ્યાં સુધી નવા પુલનું નિર્માણ ન થાય ત્યાં સુધી હવે ટ્રાફિકની સમસ્યા આણંદ જિલ્લામાં સતત સર્જાતી રહેશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
- બે ટોલ બૂથ ન આવે માટે બાંધણી, વલાસણ, આણંદના રસ્તે ભારે વાહનોની અવર-જવર વધી
ભારે વાહનોને તારાપુર ચોકડીથી આણંદ અને વાસદ સુધી માત્ર એક જ ટોલ બુથ આવે છે. જ્યારે તારાપુરથી વાયા બોરસદથી વાસદ જવામાં ડભાસીનું વધુ એક ટોલ બુથ પણ આવતું હોવાથી વાહન ચાલકોને બે ટોલટેક્સ ભરવા પડે તેમ છે. જે બચાવવા માટે બાંધણી ચોકડી વલાસણ આણંદનો શોર્ટકટ પસંદ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.