30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય
હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત લોકો માટે આંશિક રાહત
હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવાની શહેરીજનોની માંગને સ્વીકારી
શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત લોકો માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કમિશનરે હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવાની શહેરીજનોની માંગ સહિતના કારણોને ધ્યાને રાખી હવે 30 સપ્ટેમ્બરથી શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારીનો નિર્ણય કર્યો હતો.
અકસ્માત સમયે સુરક્ષા હેતુ નાગરિકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તરફ વાળવા પોલીસ કમિશનરે આગામી 15 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવા આદેશ કર્યા હતા. અને વધુમાં વધુ લોકો સારી ક્વોલિટીનું હેલ્મેટ પહેરે તે માટે પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. એક તરફ શહેરમાં ખખડધજ રસ્તાઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. તેવા સમયે પોલીસના ફરજિયાત હેલ્મેટના આદેશથી જન આક્રોશ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ હેલ્મેટના કાયદાનો વિરોધ નોંધાવી શહેરીજનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. ખાસ કરીને આગામી દિવસમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની હોય ખેલૈયા પણ હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત હતા. ત્યારે હવે હેલ્મેટના કાયદાને લઇ દ્વિચક્રી વાહન ચાલકો માટે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ કમિશ્નરે હેલ્મેટ કાયદાની અમલવારીને લઈ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો હતો. હવે 15 સપ્ટેમ્બરના બદલે 30 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમોનું પાલન કરાવાશે. ત્યારબાદ હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવા પોલીસ પહેલા દંડનીય અને બાદમાં વાહન ડીટેન સુધીની કાર્યવાહી કરશે. આ અંગે પો. કમિશ્નર નરસિંમ્હા કોમારનું કહેવું હતું કે, અમે એક મહિના પહેલા માર્ગ સલામતી અભિયાન શરૂ કર્યું હતું, મોટી સંખ્યામાં લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે, જોકે, હેલ્મેટ ખરીદવા માટે સમય મર્યાદા વધારવા માટે લોકો તરફથી વિનંતીઓ મળી હતી, જેથી જાગૃતિ અભિયાનને 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. શહેરીજનોના સમર્થન બદલ અમે ખૂબ આભારી છીએ, તથા લોકોને માર્ગ સલામતી અભિયાનમાં જોડાવવા અને સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરીએ છીએ. વધુમાં કેટલાક લોકો આર્થિક પરિસ્થિતિના કારણે હેલ્મેટ ખરીદી શકતા ન હોવાની તથા રસ્તાની સાઈડમાં હેલ્મેટ વેચતા લોકો વધુ ભાવ વસૂલતા હોવાની પણ માહિતી મળતા મુદત લંબાવવા પાછળ આવા કેટલાક પરિબળો પણ ધ્યાને લીધા હતા.