વડોદરામાં પાણીની તકલીફ દૂર કરવા ડિસેમ્બર સુધીમાં 150 એમએલડી વધુ પાણી મેળવાશે
Vadodara : વડોદરા શહેરમાં પીવાના પાણીની તકલીફ પૂરી કરવા કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર સુધીમાં 150 એમએલડી પાણી વધુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આજવામાં નવા પોનટુનની કામગીરી થઈ ચૂકી છે. હાલ 4 એમ.એલ.ડી પાણી વધુ મેળવવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આશરે 40 વર્ષ જૂની પાણીની લાઈનોનું નેટવર્ક છે તે પણ સુધારવામાં આવશે. પાણી વધુ મળતા દક્ષિણ અને પૂર્વ વિભાગમાં જે અછત સર્જાય છે તે હલ કરી શકાશે. ચોમાસામાં પૂર નિયંત્રણ સંદર્ભે કોર્પોરેશન દ્વારા આ જવામાં ડી-વોટરીંગ પંપિંગની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. બોટ દ્વારા તેમજ પાવાગઢ સુધી પૂર નિયંત્રણ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવશે. આજવાથી વધુ પાણી આવે તો તે માટે દેણા ખાતે બફર લેકની કામગીરી ચાલુ કરવામાં આવી છે. શહેરમાં 46 તળાવ ઊંડા કરીને પાણીની હોલ્ડિંગ કેપેસિટી વધારવામાં આવનાર છે. શહેરમાં 18 એવી જગ્યા છે કે જ્યાં નીચાણવાળી જગ્યા પર વરસાદી પાણી વધુ ભરાય છે, ત્યાં ડ્રેનેજ અને વરસાદી ગટર વિભાગ સાથે સંકલનમાં રહીને પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ચોમાસામાં બહારથી વધુ પાણી આવે તો શું થઈ શકે તે સંદર્ભે પણ વિચારણા ચાલી રહી છે અને પૂર નિયંત્રણ માટેની કામગીરી હાલ ચાલુ જ રાખવામાં આવનાર છે.