Get The App

બીમારી અને વૃદ્ધાવસ્થાથી કંટાળેલાં દંપતીએ ઝેર ખાઈને જિંદગી ટૂંકાવી

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
બીમારી અને વૃદ્ધાવસ્થાથી કંટાળેલાં દંપતીએ ઝેર ખાઈને જિંદગી ટૂંકાવી 1 - image

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામનો કરૂણાજનક કિસ્સો

શારીરિક અને માનસિક રીતે અશક્ત બની ગયા હોવાથી સજોડે આપઘાત, બંનેની સાથે અર્થી ઉઠતાં કરુણ દ્રશ્યો સર્જાયા

જામનગર: ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂણાજનક કિસ્સો બન્યો, જેમાં છેલ્લા કેટલાક સમયથી બીમાર અને અશક્ત અવસ્થામાં જીવન જીવતા બુઝુર્ગ દંપતીએ બીમારી અને વૃદ્ધાવસ્થાથી કંટાળી જઈ પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતાં બંનેના મૃત્યુ નીપજયા હતા. આજે એકી સાથે બંનેની અર્થી ઉઠતાં ભારે ગમગીની ફેલાઈ હતી તેમજ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે વાકિયા ગામમાં રહેતા દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી નામના ૭૦ વર્ષના બુઝુર્ગ તેમજ મનુબેન દામજીભાઈ ભીમાણી નામના ૬૮ વર્ષના પત્ની એ બંનેએ ગઈકાલે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, તેથી બંનેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કરાયું હતું. 

તપાસનીશ પોલીસ જમાદાર જે.કે. દલસાણીયાએ જણાવ્યું કે, મૃતક બુઝુર્ગ પતિ-પત્ની વર્ષાથી વાકિયા ગામમાં રહેતા હતા અને અગાઉ ખેતી કામ કરતા હતા પરંતુ હાલ બીમાર અને અશક્ત રહેતા હોવાના કારણે તેઓ કોઈ કામ કરી શકતા ન હતા. ઉપરાંત ઘણા સમયથી માનસિક રીતે પણ બીમાર રહેતા હતા અને તેઓની રાજકોટમાં દવા પણ ચાલુ હતી પરંતુ તે દવાથી કોઈ ફેર પડયો ન હતો અને પોતાની બીમારી અને વૃદ્ધાવસ્થાથી બંને કંટાળી ગયા હતા. જંતુનાશક દવાના  ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું છે.

હતભાગી દંપતીના પુત્ર અને પુત્રવધૂ મૂકબધિર

વાંકિયા ગામે આપઘાત કરનાર વયોવૃધ્ધ પતિ-પત્નીના પુત્ર મગનભાઈ ભીમાણી અને પુત્રવધુ બંને મુકબધિર છે. તેઓ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પૌત્ર મયંક ભીમાણી કારખાનું ચલાવે છે, જેમણે પોલીસને ગઈકાલે બનાવની જાણ કરી હતી, જેથી હાલ પોલીસે તેમનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

- અગાઉ પણ બન્નેએ જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો'તો

વાંકિયા ગામમાં જિંદગી ટૂંકાવનાર દામજીભાઈ ભીમાણી અને મનુબેને અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દામજીભાઈએ તો ચાલુ રિક્ષામાંથી કૂદકો મારી જીવનનો અંત લાવવા કોશિશ કરી હતી. તેમના પત્ની મનુબેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા અને લાંબી સારવાર પણ ચાલી હતી. માનસિક અસમતુલાના કારણે અગાઉ ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ગઈકાલે ફરી બંનેએ આ અંતિમ પગલું ભર્યું હતું.