Gujarat

પત્ની, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લીધી

By GS TEAM
20 Jun 20252 mins read
પત્ની, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લીધી

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની ચર્ચાસ્પદ ઘટના

છૂટાછેડા માટે સાસુ અને સસરાએ રૂા. 25 લાખ માંગ્યાનો ફરિયાદમાં આક્ષેપ, ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ: ગાંધીગ્રામના ગોિંવંદનગર શેરી નં. ૫માં રહેતા અને ગોંડલ રોડ પર આવેલી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં પંકેશ રમેશભાઈ છૈયા (ઉ.વ.૨૫)એ પત્ની સોનલ, સાસુ રાધુબેન અને સસરા રાયમલભાઈ શિયારના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. એટલું જ નહીં આરોપીઓએ છૂટાછેડા માટે રૂા. ૨૫ લાખ માંગ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં પંકેશે જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલાં તેના મવડી પ્લોટની યુવતી સાથે લગ્ન થયા હતાં. બાદમાં છૂટાછેડા લઇ ગત ડીસેમ્બર માસમાં ૮૦ ફૂટના રોડ પર મહાવીરનગર શેરી નં. ૩માં રહેતી સોનલ સાથે ફૂલહાર કરી ઘરમેળે લગ્ન કરી લીધા હતાં.

પત્નીએ પ્રથમ રાતથી જ તેની સાથે કોઇ લગ્ન સંબંધ બાંધ્યા ન હતા. પત્નીને સારી રીતે રાખતો હોવા છતાં નાની-નાની બાબતોમાં ઝગડાઓ કરતી હતી. કુટુંબમાં કોઇ જગ્યાએ પ્રસંગ હોય તો આવતી ન હતી. ગઇ તા. ૫ના રોજ તેણે પત્નીને કહ્યું કે આપણે બાળક વિશે હવે વિચારવું પડશે. જેની સામે પત્નીએ કહ્યું કે તું તારી રીતે રહે, હું મારી રીતે રહીશ. એટલું જ નહીં ધમકી આપતા કહ્યું કે હું આત્મહત્યા કરી લઇશ અને તમારા બધાના નામ લખતી જઇશ, તમને બધાને ખોટા કેસમાં ફીટ કરાવીને તમારી જિંદગી બરબાદ કરી નાખીશ.

આ ઉપરાંત તેની પત્ની તેને જાણ કર્યા વગર પિયર જતી રહી હતી. ગઇ તા. ૭નાં રોજ સવારે તેના સાળા, સાસુ, સસરા અને પત્ની તેના ઘરે આવ્યા હતા અને તેની સાથે ઝગડો કર્યો હતો. સાસુએ કહ્યું કે અમારી દીકરીને તમારે કાંઇ નહીં કહેવાનું, તેને જેમ રહેવું હોય તેમ રહેવા દેવાની, તેને કાંઇ કહેશો તો તમારા બધાની જિંદગી બરબાદ કરી નાખીશું.

આ રીતે પત્ની અને સાસુ ધમકી આપી, નાની-નાની વાતમાં ઝગડા કરતાં હોવાથી લાગી આવતાં ગઇ તા. ૭નાં રોજ બપોરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બાબતે જાણ કરવા તેના પરિવારના સભ્યો તેની પત્નીના ઘરે ગયા હતા. આ વખતે તેના સાસુ અને સસરાએ કહ્યું કે તમારે છૂટાછેડા કરવા હોય તો રૂા. ૨૫ લાખ આપો.

સારવાર મુક્ત થયા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જઇ પત્ની, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.