નાના ભાઈ સાથે વિડીયો કોલ ઉપર વાત કર્યા બાદ
પત્ની અને સાસુ સહિત ૬ સામે પોલીસમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ ઃ રૃપિયા માંગીને મારઝૂડ કરવામાં આવતી
ગાંધીનગર : સાસરીયાઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી પૈસાની માંગણી અને માનસિક ત્રાસથી કંટાળીને એક યુવકે અડાલજ નજીક ઝુંડાલ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં મૃતક ભાઈના પત્ની, સાસુ અને સાળીઓ સહિત છ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતના મોટા ભાઈ લક્ષ્મણભાઈના
લગ્ન વર્ષ ૨૦૧૧માં વિસનગરના રાલીસણા ગામની સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ
પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા પાંચ વર્ષથી પોતાની સાસરી રાલીસણા ખાતે
રહેતા હતા. લક્ષ્મણભાઈ જ્યારે પણ તેમના વતન આવતા ત્યારે ફરિયાદ કરતા કે તેમની
પત્ની સુમિત્રા અને સાસુ નર્મદાબેન વીરાભાઇ સેનમા અવારનવાર પૈસાની માંગણી કરી
તેમને હેરાન કરે છે. ગત ૨૩ ડિસેમ્બર ના રોજ રોજ લક્ષ્મણભાઈએ તેમના ભાઈને ફોન કરીને
જણાવ્યું હતું કે, પત્ની
અને સાસુએ તેમની બંને સાળીઓ ઉમલાબેન અને ગીતાબેન તથા રાજગઢથી બે કુટુંબી સાળાઓને
ઘરે બોલાવ્યા છે. આ તમામ લોકોએ ભેગા મળીને લક્ષ્મણભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને માર
માર્યો હતો. સાસરીયાઓએ ધમકી આપી હતી કે જો તમારે અહીં રહેવું ન હોય તો જતા રહો, પરંતુ બાળકો
પુત્રી કુસુમ અને પુત્ર વિયાન તમને મળશે નહીં. આ ત્રાસથી કંટાળીને લક્ષ્મણભાઈ
ગાંધીનગર તરફ આવી ગયા હતા. તેમણે રાત્રિના સમયે પરિવારને વીડિયો કોલ કરીને
જણાવ્યું હતું કે, હું મારા
સાસુ અને પત્નીના ત્રાસથી આ પગલું ભરી રહ્યો છું, મારા બંને છોકરાઓને તમે સાચવજો. પરિવારજનો તેમને શોધતા
શોધતા ઝુંડાલ કેનાલ પહોંચ્યા ત્યાં જ લક્ષ્મણભાઈએ તેમની નજર સામે જ કેનાલમાં
ઝંપલાવી દીધું હતું. જોકે તેમનો મૃતદેહ સાતેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી
મળી આવ્યો હતો આ ઘટના અંગે હાલ સાંતેજ પોલીસે મૃતકની પત્ની સુમિત્રાબેન, સાસુ નર્મદાબેન, સાળી ઉમલાબેન, સાળી ગીતાબેન અને
રાજગઢના બે અજાણ્યા સાળાઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.


