Gujarat

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

By GS TEAM
20 Jun 20262 mins read
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

વડોદરા,વ્યાજખોરના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છાંટવાની દવા  પી લીધી હતી. ચાર દિવસની સારવાર પછી તેઓનું મોત થતા છેવટે અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

કલાલી ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાનમાં બીજી પત્ની સાથે છેલ્લા છ વર્ષથી રહેતા રાજુભાઇ પ્રભાતભાઇ ઠાકોર, ઉં.વ.૫૪ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમની પહેલી પત્ની અને  પુત્રો અલગ રહે છે. તેમના  પુત્ર સાગરે અટલાદરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી તારીખે સવારે દશ વાગ્યે મારા પિતાએ ગુલાબી વુડાના મકાન નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા  પી ગયા હતા. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હું અને મારો નાનો ભાઇ વિજય પણ ત્યાં ગયા હતા. મારા પિતાને શું થયું , તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મેં મિહીર (રહે.માંજલપુર) પાસેથી ૧૦ હજાર રૃપિયા વ્યાજે લીધા હતા. તેનું વ્યાજ હું ચૂકવતો હતો. પરંતુ, બે મહિનાથી વ્યાજ ચૂકવી શક્યો નથી. મિહીર વસૂલાત માટે હેરાન કરી ધમકી આપે છે. ૧૬ મી તારીખે હું રિક્ષા લઇને નીકળ્યો હતો. ત્યારે માંજલપુર સ્મશાન પાસે રિક્ષાનો વાયર તૂટી ગયો હતો. મિહીરે ત્યાં આવીને પૈસાની માગણી કરી હતી. મારી સાથે ઝપાઝપી કરી ૨૦ હજાર રોકડા તથા મોબાઇલ ફોન બળજબરીથી કઢાવી ગયો હતો. તેણે જતા સમયે એવી ધમકી આપી હતી કે, તારે મરી જવું હોય તો મરી જજે. તારે રૃપિયા આપવા જ પડશે. જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. તેની ધમકીથી ડરીને મેં દવા પી લીધી છે. મારા પિતાનું સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે અવસાન થયું હતું. 

રાત્રે બે વાગ્યે પણ આરોપી ઉઘરાણી માટે ઘરે જતો હતો

વડોદરા,

રાજુભાઇ ઠાકોરના સંબંધીની પુત્રીએ એવો આક્ષેપ કર્યો છે કે, મિહીર ભરવાડ ઉઘરાણી માટે રાત્રે બે વાગ્યે  પણ તેના માણસોને લઇને આવતો હતો. બે વર્ષથી મારા પિતા દર મહિને તેને રૃપિયા ચૂકવતા હતા. તે વ્યાજનું વ્યાજ ગણતો હતો. તે એવું જ કહેતો  હતો કે, અમારૃં કોઇ કશું બગાડી શકે નહી. પૈસા ખર્ચીને પોલીસમાંથી છૂટી જઇશ. તેણે રિક્ષા  પડાવી લેવાની  પણ ધમકી આપી હતી.