Get The App

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
અકસ્માતોથી કંટાળી પાલજ  ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ 1 - image


સ્પીડ બ્રેકર ન હોવાને કારણે હાઇવે માર્ગ ઉપર

માર્ગ ઉપર બેરીકેટિંગ કરીને વાહનોની સ્પીડ ઘટાડવા માટે પ્રયાસ કરાયો ઃ સમસ્યાના કાયમી નિકાલની બાંહેધરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી પાલજ તરફના હાઇવે માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવરને કારણે રોજિંદા અકસ્માતોથી કંટાળીને આજે પાલજના ગ્રામજનો દ્વારા માર્ગ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ચિલોડા પોલીસ દોડી આવી હતી. હાલ તાત્કાલિક ધોરણે બેરીકેટિંગ કરીને વાહનોની સ્પીડ ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર બેફામ પણે જતા વાહનોને કારણે સ્થાનિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજ સ્થિતિ ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજ ગામ પાસે જોવા મળી રહી છે. ગાંધીનગર બાયપાસ આ હાઇવે માર્ગ ઉપર રોજિંદા ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને તેમાં પણ રેતી ભરેલા ટ્રકો તેમજ અન્ય મોટા વાહનો સ્પીડ બ્રેકરના અભાવે પૂર ઝડપે દોડતા હોવાને કારણે પાલજના ગ્રામજનોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અહીં સ્પીડ બ્રેકર નહીં મૂકવામાં આવતા આજે ના છૂટકે ગ્રામજનો માર્ગ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા ચિલોડા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે મથામણ કરી હતી. ગ્રામજનોએ માગણી કરી હતી કે, આ અકસ્માતોની સમસ્યાના નિવેડો લાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જોકે હાલ તે કામ શક્ય નહીં હોવાથી પોલીસ દ્વારા બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું હતું અને વાહનોની સ્પીડ ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો આગામી દિવસમાં અહીં સ્પીડ બ્રેકર નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.

Tags :