Gujarat

આજે કુબેરનગર વોર્ડમાં તિરંગાયાત્રા નીકળશે , ૬૫૬ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે મ્યુનિ.શિક્ષકો તિરંગાયાત્રામાં જોડાશે

By GS TEAM
12 Aug 20252 mins read
આજે કુબેરનગર વોર્ડમાં તિરંગાયાત્રા નીકળશે ,  ૬૫૬ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે મ્યુનિ.શિક્ષકો તિરંગાયાત્રામાં જોડાશે

 અમદાવાદ,મંગળવાર,12 ઓગસ્ટ,2025

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં આજે સાંજે ૪.૩૦ કલાકની આસપાસ દોઢ કિલોમીટર લાંબી તિરંગાયાત્રા નીકળશે.રાજયના મુખ્યમંત્રી આ યાત્રાને ફલેગઓફ કરી પ્રસ્થાન કરાવશે. ૬૫૬ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રાના રુટ ઉપર મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો ચાલશે. ઓપરેશન સિંદૂર,સ્વચ્છ અમદાવાદ ઉપરાંત મિશન ફોર મિલીયન ટ્રી સહિતના થીમ ઉપરના ચાર ટેબલો યાત્રાનુ આકર્ષણ બનશે.

મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પાસે આવેલ આદર્શ સ્કૂલથઈ રામેશ્વર સર્કલ સુધી ચાલનારી  તિરંગાયાત્રામાં ગૌ-ગણેશ ટેબલોનો પણ સમાવેશ કરાયો છે.શહેર ભાજપ મહીલા મોરચા તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ મહિલા કોર્પોરેટરો તિરંગા કલરની સાડીમાં તિરંગા યાત્રામાં જોડાશે.યાત્રામાં વિવિધ સમાજના લોકો ઉપરાંત રમતવીરો,કાર્યકર્તાઓ જોડાશે.૧૭ ધોડા સાથે પોલીસ જવાનો હાજર રહેશે.પોલીસ અને ફાયર બેન્ડ તેમજ સ્કૂલ બોર્ડના સ્કાઉટ બેન્ડ તથા દાઉદી વોરા સમાજના બેન્ડ યાત્રામા હશે.કુબેરનગરથી સૈજપુર સુધીના વિસ્તારમાં આવેલી ૨૦૦ સોસાયટીઓ ઉપરાંત ૧૫૦ અન્ય સ્થળોએ ઓપરેશન સિંદૂર અને હર ઘર તિરંગાના બેનરો લગાવવામાં આવ્યા છે.સ્વતંત્રતા પર્વને ધ્યાનમા લઈ બાળકો ભારત માતા અને સૈનિકોની વેશભૂષામા યાત્રામા જોડાશે.સમગ્ર રુટ ઉપર લાઈટીંગ અને રાષ્ટ્રભકિતના ગીતો યાત્રા દરમિયાન વાગશે.

૩૦ હજાર લોકો તિરંગાયાત્રામા જોડાવાની સંભાવના

કુબેરનગરમા આજે સાંજે યોજાનારી તિરંગાયાત્રામાં ૩૦ હજાર લોકો જોડાવાની સંભાવના છે.શહેરના દરેક વોર્ડમાંથી લોકોને લાવવા-મુકવા માટે એ.એમ.ટી.એસ.ની બસો મુકવામા આવશે.તિરંગાયાત્રામા આવનારા લોકો માટે પાર્કીંગ અને પીવાના પાણી, મેડીકલ ટીમ વગેરેની વ્યવસ્થા કરવામા આવી છે.

સાંજે ૪ કલાકથી યાત્રાના રુટ ઉપર વાહન વ્યવહારની અવરજવર બંધ કરાશે

સાંજે ૪ કલાકથી મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તાથી ભાર્ગવ ટેનામેન્ટ તરફનો  રોડ વાહનવ્યવહારની અવરજવર માટે બંધ કરાશે.વાહન ચાલકો સૈજપુર ગરનાળાથી મેમ્કો થઈ રામેશ્વર ચાર રસ્તા તરફ જઈ શકશે.રામેશ્વર ચાર રસ્તાથી મેમ્કો થઈને સૈજપુર ટાવર થઈ સૈજપુર ગરનાળા તરફ અવરજવર કરી શકાશે.