જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
79માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અને 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ જુદા જુદા 600થી વધુ સ્થળોએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને દેશભક્તિ તથા સ્વચ્છતાના અનોખા સંગમ સમી આ યાત્રાની ઉમંગભેર ઉજવણી કરી હતી. જામનગર મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિવિધ તાલુકા કક્ષાએ આયોજિત આ તિરંગા યાત્રામાં બાળકથી લઈ વયોવૃદ્ધ સુધીના તમામ લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ઠેર ઠેર 'ભારત માતા કી જય' અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જામનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે રણમલ તળાવથી રણજીતનગર સુધી ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં એક વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા. આ યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ, અને નેવીના જવાનો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રાના સમાપન બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યાત્રા બાદ મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામમાં સફાઈ કાર્યક્રમ પણ યોજાયો હતો. લાલપુરમાં વીર સાવરકર હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માર્ગમાં મદ્રેસા દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ જામનગર તાલુકાના ઢીંચડા ખાતે ભવ્ય યાત્રા યોજાઈ હતી.જામજોધપુર નગરપાલિકા તથા તાલુકા કક્ષાની તિરંગા યાત્રા મીની બસ સ્ટેન્ડથી આઝાદ ચોક સુધી યોજાઈ જેમાં હજારો નાગરિકો સહભાગી બન્યા જ્યારે સિક્કા ખાતે પણ માધ્યમિક શાળાથી સર્વિસ ચોક થઈ જલારામ મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું. ધ્રોલ નગરપાલિકા તથા તાલુકા કક્ષાની સંયુક્ત તિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી પટેલ સમાજ, ગાંધી ચોક થઈ ત્રિકોણ સુધી દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ જ્યારે કાલાવડ ખાતે પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મેઈન બજાર થઈ મ્યુનિસિપલ હાઇસ્કુલ સુધી યોજાયેલ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો.સાથે કાલાવડ તાલુકા કક્ષાની યાત્રા નવાગામ તથા ધૂન ધોરાજી ખાતે યોજવામાં આવી જેમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ રાષ્ટ્રભાવનાના અનોખા દર્શન કરાવ્યા હતા.
આ કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ ભવ્ય આયોજન દ્વારા સ્વતંત્રતા પર્વ અને રાષ્ટ્રધ્વજની ગરિમાને બુલંદ કરવાનો એક સુંદર સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.